વાડાસરમાં પાંચ હજાર વૃક્ષો વાવી નમોવનનું નિર્માણ

વાડાસરમાં પાંચ હજાર વૃક્ષો વાવી નમોવનનું નિર્માણ
ભુજ, તા. 21 : તેરા તુજકો અર્પણના વૃક્ષમિત્ર-જળશક્તિ અભિયાન અંતર્ગત અને મીડિયા પાર્ટનર કચ્છમિત્રના સહયોગથી સોમવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની પૂર્વસંધ્યાએ વાડાસર મધ્યે 5000 વૃક્ષનું વાવેતર કરી નમોવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમાં ભુજ મતવિસ્તારના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય તેમજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ડો. નીમાબેને વાડાસરમાં વૃક્ષારોપણ કરી અને હરિયાળું કરવાના આ પ્રયાસોને બિરદાવ્યા હતા. જિલ્લા ભાજપના મંત્રી અને અભિયાનના પ્રણેતા હિતેશભાઇ ખંડોરે જણાવ્યું કે, આ અભિયાન અંતર્ગત વાડાસર ગામને ગ્રીન બનાવવા અંગેનો જે સંકલ્પ કર્યો હતો તે આજે પરિપૂર્ણ કર્યો છે. વાડાસર ગામે 10,000 વૃક્ષ વાવવાનો ગ્રામજનોએ સંકલ્પ લીધો હતો જેના ભાગરૂપે 5000 વૃક્ષ પ્રથમ તબક્કામાં વાવી અને સમગ્ર ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કરી અને ગામની જાગૃતિ અને ઉત્સાહ બતાવી કચ્છને પ્રેરક ઉદાહરણ પૂરું પાડયું છે. આ પ્રસંગે વી.આર.ટી. સંસ્થા તરફથી નમોવનની બાઉન્ડ્રી બનાવવા માટે રૂા. 1,80,000 આપવાની જાહેરાત કરી હતી.  આ કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ હરીશભાઇ ભંડેરી, ઉપપ્રમુખ હિતેશભાઇ ખંડોર, જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ દાદુભા ચૌહાણ, કચ્છ જિલ્લા પંચાયત ચેરમેન ભીમજીભાઇ જોધાણી, જિલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઇ પિંડોરિયા, તાલુકા પંચાયત સભ્ય શાન્તાબેન, તાલુકા ભાજપ પ્રમુખ ધનજીભાઇ ભુવા, વિજયભાઇ રાજપૂત, દિવ્યરાજસિંહ ઝાલા તેમજ રાજદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ગામના આગેવાનો શાંતિભાઇ ભુડિયા, ટીનાબેન વેકરિયા, દેવશીભાઇ લક્ષ્મણ રાબડિયા, મૂળજીભાઇ વેલજીભાઇ વેકરિયા, વાલજીભાઇ હરજી રાબડિયા, લાલજી કરશન વડોદરિયા, કુંવરબેન હરેન્દ્ર વેકરિયા, ભોજાભાઇ ચાવડા, ભીખાલાલ લાલજી રાબડિયા, સુરેશ વાલજી ભુડિયા, નરેશભાઇ લક્ષ્મણ રાબડિયા વિગેરે સહયોગી બન્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer