કંડલા બંદરે જેટીઓમાં પૂરતી લાઈટ વ્યવસ્થાનો પ્રશ્ન ત્વરિત ઉકેલી દેવાયો

કંડલા બંદરે જેટીઓમાં પૂરતી લાઈટ વ્યવસ્થાનો પ્રશ્ન ત્વરિત ઉકેલી દેવાયો
ગાંધીધામ,તા. 21 : દીનદયાળ બંદર (કંડલા) ખાતે છેલ્લા લાંબા સમયથી રાત્રિના ભાગે પૂરતી પ્રકાશ વ્યવસ્થાના અભાવે ઓપરેશન મુશ્કેલ બન્યું હતું. જહાજોમાંથી માલ ચડાવવા-ઉતારવાની સમગ્ર પ્રક્રિયા આ કારણસર જોખમી બની હતી. કામદાર સંગઠને પ્રશાસન સમક્ષ આ અંગે રજૂઆત કરતાં ઝડપથી આ પ્રશ્ન ઉકેલવામાં આવ્યો હતો. કુશળ-બિનકુશળ અસંગઠિત કામદાર સંગઠનના અધ્યક્ષ તથા કચ્છના માજી સાંસદ પૂનમબેન જાટ અને મહામંત્રી વેલજીભાઈ જાટે મહાબંદર ઉપર પ્રકાશ વ્યવસ્થામાં સુધાર લાવવા પ્રશાસન સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી હતી. ડીપીટીના ઈલેકટ્રીક વિભાગના કાર્યપાલક ઈજનેર દીપક કે.હાજરાએ સંગઠનની રજૂઆતને પગલે જેટી નં. 1, 2, 5, 6, 14, 15, તથા 16 એમ કુલ્લે સાત જેટીઓ ઉપરની પ્રકાશ વ્યવસ્થા બહાલ કરીને આ પ્રશ્નનો ત્વરિત ઉકેલ લાવ્યા હતા. 24 કલાક માલની હેરફેરથી બંદરે હવે રાત્રિના ભાગે પૂરતી લાઈટની વ્યવસ્થા થવાથી કામગીરી સરળ બની હોવાનું સંગઠને એક યાદીમાં જણાવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પૂરતી લાઈટને અભાવે મહાબંદર ઉપર રાત્રે અકસ્માતના બનાવો બનતા હતા. જેમાંથી ઘણા જીવલેણ પણ બન્યા હતા. લાંબા સમયથી લાઈટ વ્યવસ્થાની સારસંભાળના કોન્ટ્રેકટરની ગેરહાજરીને કારણે આવું બનતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer