વિથોણમાં ત્રણ તાલુકાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રસંગે બાળ વૈજ્ઞાનિકો છવાયા

વિથોણમાં ત્રણ તાલુકાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન પ્રસંગે બાળ વૈજ્ઞાનિકો છવાયા
વિથોણ (તા.નખત્રાણા), તા. 21 : અહીં ત્રણ તાલુકાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં બાળ વિજ્ઞાનિકો છવાયા હતા. વિવિધ કૃતિઓએ પ્રભાવિત કર્યા હતા. બાળ વિજ્ઞાનિકોએ પોતાનું કૌવત દાખવતાં નિરીક્ષકો પણ પ્રભાવિત થયા હતા. સંત ખેતાબાપા ઉ. મા. શાળા પ્રાંગણમાં અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર જિ. શિક્ષણ અને તાલીમ ભવન જિ. શિક્ષણાધિકારીની કચેરી (ભુજ) અને સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલના સંયુક્ત ઉપક્રમે વિથોણ હાઈસ્કૂલના પ્રાંગણમાં બાળ વિજ્ઞાનિકો દ્વારા જુદી-જુદી 40થી વધુ કૃતિઓ મુકાઈ હતી. વિદ્યાર્થીઓના સાહસને બિરદાવવા ધારાસભ્ય પી.એમ. જાડેજા, તા. પ્રમુખ નયનાબેન પટેલ, મામલતદાર પ્રવીણસિંહ જેતાવત, કુમારી દીપિકાબેન પંડયા, શ્રી મનસુરી (નલિયા), જિ.પં. સદસ્ય કેસરબેન સામત મહેશ્વરી, ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ ડો. આર. આર. પટેલ, કાંતિભાઈ પદમાણી, ઉ. પ્ર. રતિલાલ ખેતાણી, સરપંચ  બચુભાઈ નાયાણી, જયસુખભાઈ પટેલ, દિલીપભાઈ નરસિંગાણી, એસવીએસ કન્વીનર હરેશ પટેલ, કિરીટસિંહ (મંજલ), દિનેશભાઈ રૂડાણી, જુદી-જુદી શાળાના પ્રધાન આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.  ધારાસભ્ય શ્રી જાડેજાએ વિથોણ હાઈસ્કૂલના વિકાસ માટે અને પૂર નિયંત્રણ દીવાલ માટે ગ્રાન્ટ આપવા સહમતી દર્શાવી હતી. જ્યારે તાલુકા પ્રમુખ નયનાબેને યોજના મુજબ તાલુકા અને જિલ્લા કક્ષાએથી સહયોગ આપવા ખાતરી આપી હતી. શાળાના વિજ્ઞાન શિક્ષકો, આચાર્યો તેમજ ત્રણ તાલુકાની શાળાના શિક્ષક મિત્રોનો સહયોગ મળ્યો હતો. આમંત્રિત મહેમાનોને પ્રતીક ભેટ આપી સન્માનીત કરાયા હતા. હાઈસ્કૂલના પ્રધાન આચાર્ય મોહનભાઈ છાભૈયાની દોરવણી હેઠળ સંચાલન રમેશભાઈ વાઢેરે કર્યું હતું, આભારવિધિ ગોપાલભાઈ પટેલે કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer