ભુટકિયાનો કિશોર શાળાએ જવા નીકળ્યા પછી ગુમ થતાં ચકચાર

ભુટકિયાનો કિશોર શાળાએ જવા નીકળ્યા પછી ગુમ થતાં ચકચાર
ગાંધીધામ, તા. 21 : રાપર તાલુકાનાં ભુટકિયા ગામમાંથી 16 વર્ષીય કિશોર ગુમ થયો હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો હતો. આ ઉપરાંત  ભચાઉમાં પણ બાળક ઉઠાંતરીનો  પ્રયાસ થયો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. પોલીસ સૂત્રોઁએ જણાવ્યું હતું કે, ભુટકિયા ગામમાંથી તા. 18/9ના  સવારના નવ વાગ્યા પછી દિલીપભાઈ ભૂપતભાઈ કોળી નામનો કિશોર ગુમ થયો હતો. કિશોરને સ્કૂલ જતી વખતે કોઈ અજાણ્યા ઈસમો લલચાવી ફોસવાલી તેને લઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ મામલે બાળકના પિતા ભૂપતભાઈ પોપટભાઈ કોળી (મકવાણા)ની ફરિયાદને આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.  દરમ્યાન ભચાઉના અંબિકાનગરમાં આવેલી પ્રાથમિક શાળા નં.  10માં  ધો. 3માં અભ્યાસ  કરતા રવજી પરસોત્તમ કોળી (આશરે ઉ. વર્ષ 8)ને  સવારે 10.30 વાગ્યે  રિસેસના સમયે શાળાની બહાર  કેટલાક શખ્સોએ તેનો હાથ પકડી  લઈ જવાનો પ્રયાસ કરતાં દોડધામ મચી હતી. બાળકને કાળા કલરના કાચવાળી ગાડીમાં  આવેલા  અજાણ્યા ઈસમોએ ઉઠાંતરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અલબત્ત તે હાથ છોડાવી  શાળામાં આવી ગયો હતો. આ  સંદર્ભે સી.સી. ટી.વી.  કેમેરા તપાસવા  સહિતની દિશામાં તપાસ હાથ ધરાઈ હોવાનું ભચાઉના પોલીસ અધિકારી શ્રી ચૌધરીએ જણાવ્યું હતું.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer