સાઈકલ દ્વારા ભારતભ્રમણ કરનારા વૃદ્ધ કચ્છમાં માગે છે આશરો

સાઈકલ દ્વારા ભારતભ્રમણ કરનારા વૃદ્ધ કચ્છમાં માગે છે આશરો
ભુજ, તા. 21 : દેશમાં હિન્દુ ધર્મની એકતા અને અખંડિતતા માટે છેલ્લા 40 વર્ષથી સાઈકલ દ્વારા ભારતભ્રમણ કરનારા અને સાધુ જીવન જીવતા મૂળ ઉત્તરપ્રદેશના બદાઉ જિલ્લાના સમરેર ગામના પદમશંકરગિરિ ચંચલગિરિ પોતાની જિંદગીના બચેલા થોડાઘણા વર્ષો કચ્છમાં વિતાવવા માગે છે, પરંતુ તેમને કોઈ મંદિર, ધર્મશાળા કે અન્ય જગ્યાએ રહેવા દેવાના બદલે અપમાન કરી કાઢી મૂકવામાં આવતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. વર્ષ 1960માં એમ.એ. કરનારા અંદાજે 70 વર્ષીય પદમશંકરગિરિના દાવા અનુસાર તેમણે 40થી પ0 વર્ષ પહેલાં ઘર, માતા-પિતા વગેરે ત્યાગી સાઈકલ અને મોટરસાઈકલ દ્વારા લગભગ 13 લાખ કિલોમીટરની સાઈકલયાત્રા કરી છે અને આખું ભારતભ્રમણ કર્યું છે. તેઓએ છેલ્લા 50 વર્ષથી પોતાના ગામનું મોઢું પણ નથી જોયું. તેઓ આ ભ્રમણયાત્રા દરમ્યાન સાધુજીવન અપનાવી રામાયણ, ભાગવત જેવી કથાઓ દ્વારા લોકોને ઉપદેશ પણ આપ્યા છે. તેમ તેમના વતન ઉત્તરપ્રદેશમાં તેમને દાનમાં મળેલી જમીન પણ લુખ્ખા તત્ત્વો દ્વારા હડપ કરી લેવાઈ હોવાનો આક્ષેપ કરતાં વધુમાં જણાવ્યું હતું કે, અનેક સાધુ-સંતો, સામાજિક આગેવાનોને મળી બાકી બચેલું જીવન કોઈ એક જગ્યાએ સ્થાયી થઈ વિતાવવા માગે છે, પરંતુ તેમને બે-ચાર દિવસ કે અમુક થોડીઘણી રકમ આપી અપમાન કરી ભગાડી મૂકવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, ભુજના પ્રખ્યાત મંદિરના અમુક સાધુઓએ પણ તેમને કાઢી મૂક્યા હતા. તેથી હવે તેઓ કોઈ પણ મહેનત, મજૂરી કરી જીવન જીવવા માગે છે. અત્યાર સુધી તેમણે 111 જેટલી સાઈકલ અને 6 મોટરસાઈકલ દ્વારા યાત્રા કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer