સાંગનારામાં વન્યસંપદા બચાવી પવનચક્કી અટકાવો

સાંગનારામાં વન્યસંપદા બચાવી પવનચક્કી અટકાવો
ભુજ, તા. 21 : નખત્રાણા તાલુકાનાં સાંગનારા ગામની વસ્તી ખેડૂતો અને માલધારીઓની છે. અહીંની ગૌચર તથા જંગલ અદ્ભુત છે ત્યારે ગામની સીમ અને વન્ય વિરાસત પ્રકૃતિસભર હોવાથી અહીંની ગૌચર જમીન પશુઓના પાલન માટે અને સીમાડાની જમીન કચ્છની તળપદી વનસ્પતિને અનુકૂળ આવતી હોવાથી અહીંનું વન્યજીવન અને પ્રાણીઓ માટે એકમાત્ર આશ્રયસ્થાન બની રહ્યું છે. પવનચક્કીના નામે શાંત ગણાતી ઊર્જા મેળવવા કચ્છના અનેક સ્થળોની માફક અહીં સાંગનારાની સીમમાં પવનચક્કીઓ નાખવાનું કંપનીઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે તેવી રજૂઆત કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી. પવનચક્કી ઊભી કરવા માટે જોઇતી જમીન મેળવવા અને તેની પાવર લાઈન નાખવા માટે કંપનીઓ દ્વારા મંજૂરી મળ્યા પહેલાં જ સાંગનારા સીમની અને વનજીવનની પરવા કર્યા સિવાય સામ, દામ, દંડ, ભેદની નીતિ અનુસરી પવનચક્કી નાખવામાં આવી રહી છે, જેના કારણે ગામની સીમ, ગૌચર અને વન્યજીવનને ભરપાઇ ન થાય તેવું નુકસાન થતાં અને કપાતા વૃક્ષોને બચાવવા ગ્રામજનોએ પોતાની રજૂઆત કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કલેક્ટર નાગરાજન સમક્ષ રજૂઆત કરવા સાંગનારા ગ્રામ પંચાયતના સભ્ય જખરાભાઇ, ખેડૂત આગેવાન શંકરભાઇ પટેલ, વાલજીભાઇ પટેલ, `કચ્છ જે કારાયલ જો કેકારવ'ના કન્વીનર નવનીભાઇ બાપટ તથા ખેડૂત આગેવાનનું પ્રતિનિધિ મંડળ પહોંચ્યું હતું. કલેક્ટરે યોગ્ય તપાસ કરી જરૂરી હુકમો બહાર પાડવા માટે પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી. પવનચક્કીનાં કારણે થતા નુકસાન તથા સાંગનારામાં થતા અતિ દુર્લભ પક્ષીની યાદીમાં સમાવેશ થયેલા ગીધ અને કાબરી રામચકલીના ઘરને થનાર નુકસાનની ગંભીરતાની વાત સમાહર્તા સમક્ષ કરવામાં આવી હતી. વન વિસ્તારમાં પવનચક્કીને મંજૂરી આપવાને બદલે 21,000 ચો.કિ.મી.ના વિશાળ રણમાં આવી પવનચક્કીની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કચ્છના વન્ય પ્રાણી, પશુ-પક્ષીની કિંમતી જમીન અને કચ્છના જંગલો બચાવી શકાય તેવી રજૂઆત કરતાં નાગરાજને આ બાબતે યોગ્ય વિચારણા કરવા પ્રતિનિધિમંડળને ખાતરી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer