કચ્છના પોલીસકર્મીને મળશે મરણોત્તર સન્માન

કચ્છના પોલીસકર્મીને મળશે મરણોત્તર સન્માન
ભુજ, તા. 21 : પોલીસ શહીદદિનની ઉજવણી નિમિત્તે કચ્છમાં પણ પોલીસ તંત્ર દ્વારા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે 21મી ઓક્ટોબરના દિવસે બુટલેગરે જેમને મોતને ઘાટ?ઉતારી દીધા હતા એવા પોલીસના જાંબાઝ કર્મચારી સ્વ. પ્રાણગિરિ ગોસ્વામીની યાદમાં શહીદદિને તેમના વતન નાગવીરી ગામે શહીદ સ્મારકનું અનાવરણ કરવામાં આવનાર છે. કચ્છની ગુનાશોધક શાખામાં ચુનંદા પોલીસ કર્મચારીઓની ટીમમાં જેમને એક વખત સ્થાન મળ્યું હતું એવા પ્રાણગિરિએ કચ્છના સરહદી વિસ્તારમાં આર.ડી.એક્સ. જથ્થાને પકડવાની ભૂમિકા બજાવી ચૂકેલા અને પોતાની ફરજ માટે શહીદી વહોરી ચૂકેલા આ પોલીસકર્મીએ પોતાના વ્યક્તિત્વ, અનોખા સ્વભાવના કારણે આખાય પોલીસ તંત્રમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી. સતત 29 વર્ષ સુધી ફરજ બજાવી ચૂકેલા સ્વ. પ્રાણગિરિને કચ્છના પોલીસવડા રહી ચૂકેલા એ.કે. સિંઘ હોય કે ગુનાશોધક શાખાના અધિકારી ડી.આર. અગ્રાવતે અનેક વખતે શ્રેષ્ઠ કામગીરી બદલ ઈનામો પણ આપ્યાં હતાં. 2003ના વર્ષમાં ડિસેમ્બર મહિનાની 16 તારીખે રાત્રે ભચાઉ પોલીસ સ્ટેશનમાં એક ફોન આવ્યો કે રાજસ્થાન તરફથી દારૂ ભરેલી ટ્રક કુંજીસરના રસ્તા પરથી પસાર થવાની છે. બોલેરો જીપ સાથે પોલીસ ટુકડીએ પીછો કરી ટ્રકને આંતરવાની કોશિશ કરી પણ આ બુટલેગરે ટ્રક ગાડી ઉપર ચડાવીને પ્રાણગિરિ તથા તેમની સાથેના સહકર્મચારી જયદાન ગઢવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ કિસ્સાને આજેય પોલીસ તંત્ર ભૂલ્યું નથી ને હંમેશાં યાદ કરે છે. દેશ માટે પ્રાણ આપી ચૂકેલા પોલીસ કર્મચારીનું સ્મારક હોય તેવી ઈચ્છા વર્તમાન પોલીસવડા સૌરભ તોલંબિયાએ વ્યક્ત કરી પ્રાણગિરિના ઘેર જઈ રૂબરૂમાં આમંત્રણ આપ્યું હતું. તા. 21/10ના શહીદ કર્મચારી જે ગામમાં પ્રાથમિક શાળામાં ભણતા હતા એ નાગવીરી ગામની શાળામાં શહીદ સ્મારક તૈયાર થઈ રહ્યું છે. પ્રાણગિરિના ભાઈ ઈશ્વરગિરિ ગોસ્વામીએ વિગતો આપતાં જણાવ્યું કે, પોલીસવડા શ્રી તોલંબિયા અંગત રસ લઈ રહ્યા છે અને ગ્રેનાઈટ પથ્થરથી શોભે એ જાતનું આ સ્મારક નિર્માણ પામી રહ્યું છે. પ્રાણગિરિનાં પત્ની પુષ્પાબેનને પોલીસવડાએ અધિકારીઓ શ્રી પંચાલ, શ્રી ઝાલાની હાજરીમાં, તેમના સંતાનો વિજયગિરિ, પ્રદીપગિરિની સાથે સન્માનિત કર્યા હતા. તેમનું આ મરણોત્તર સન્માન હોવાનું ઈશ્વરગિરિએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer