સગર્ભા માતાઓને મેલેરિયાથી બચાવવા કચ્છમાં 21 હજાર મચ્છરદાનીનું વિતરણ

સગર્ભા માતાઓને મેલેરિયાથી બચાવવા કચ્છમાં 21 હજાર મચ્છરદાનીનું વિતરણ
ભુજ, તા. 21 : માતા અને બાળક તંદુરસ્ત રહેશે તો આવનારી પેઢી તંદુરસ્ત બનશે. સગર્ભા માતાઓ અને બાળકને મેલેરિયાથી બચાવવા રાષ્ટ્રીય વાહજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં 21,298 સગર્ભા માતાઓને જંતુનાશક દયાયુક્ત મચ્છરદાની આપવાના ભાગરૂપે આજે રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે રતનાલમાં સગર્ભા માતાઓને મચ્છરદાની તથા પોષણ માસની ઉજવણીના ભાગરૂપે પોષણ કિટનું વિતરણ કરાયું હતું. રતનાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સામાજિક શૈક્ષણિક પછાત  વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી આહીરના હસ્તે રાષ્ટ્રીય વાહજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મચ્છરદાની વિતરણ કરવાના કાર્યનો દીપ પ્રગટાવી શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમને સંબોધતાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય વાહજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં 21,298 જંતુમુકત મચ્છરદાની આપવાના કાર્યક્રમનો ચિતાર આપતાં લખપતમાં 655, નખત્રાણા તાલુકામાં 1380, અબડાસામાં 861, માંડવીમાં 1856, અંજારમાં 2519, ગાંધીધામમાં 3419, ભુજમાં 4069, ભચાઉમાં 2159 અને રાપર તાલુકામાં 2546 જંતુમુકત મચ્છરદાની અપાશે. તેમના હસ્તે સગર્ભા માતાઓને ખજૂર, ગોળ, સીંગદાણા, ચણા, મગની કિટનું પણ વિતરણ કરાયું હતું.  અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાર્ગવે વિતરણનો હેતુ સમજાવી પોષક આહારનું બે વર્ષ બાળકના પોષણનું ધ્યાન રાખવાથી બુદ્ધિ-મગજનો વધુમાં વધુ વિકાસ થાય છે, તેમ જણાવી પાંચ વર્ષ સુધી મચ્છરદાની કામ આપતી હોવાની વિગતો આપી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારિયાએ પણ મચ્છરદાની 24 કલાક મચ્છર મારવાના મશીન તરીકે કામ કરે છે. પોષક આહાર વિશે પણ પ્રકાશ પાડ્યો હતો.  જિ.પં. આરોગ્ય સમિતિના ચેરમેન ફુલાબેન છાંગા, સરપંચ સરિયાબેન વરચંદ, ઉપસરપંચ રાણીબેન, અગ્રણીઓ મ્યાજરભાઇ, ત્રિકમભાઈ, જિલ્લા મેલેરિયા અધિકારી એ. એમ. ભટ્ટ, ડો. વર્મા, આશાબહેનો તેમજ સગર્ભા માતાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન જી.ડી. ગામોઠે કર્યું હતું. આભારદર્શન સાવનભાઈ ગઢવીએ કર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer