ચિત્રોડથી રાપર સુધીનો માર્ગ રિપેર કરો

ભુજ,તા. 21 : આજે અહીં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર એમ. નાગરાજનના અધ્યક્ષપદે કોન્ફરન્સ હોલ ખાતે યોજાઇ હતી, જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણાસિંહ સોઢા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનાસિંહ જાડેજા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલા દ્વારા વિવિધ પ્રશ્ને રજૂઆત કરાઇ હતી.  જિલ્લા પંચાયત અધ્યક્ષ  લક્ષ્મણાસિંહ સોઢાએ વરસાદને કારણે બિસમાર બનેલા ચિત્રોડથી રાપર સુધીના માર્ગ સુધારણાની કામગીરી તાત્કાલિક હાથ ધરવાની માગણી કરવા સાથે કીડિયાનગર અને મોડા 66 કે.વી. સબ સ્ટેશનોનું કામ તાત્કાલિક જેટકો દ્વારા પૂર્ણ કરાય તેવી પણ રજૂઆત કરી હતી. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ સામખિયાળી ખાતેના ટોલટેક્સમાં સ્થાનિક વિસ્તારના લોકોને મુક્તિ તેમજ અન્યો પ્રશ્નોનો નિવેડો લાવવા ઉપરાંત ગળપાદર બ્રિજ તેમજ પડાણા બ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવા ઉપર ભાર મૂક્યો હતો. અબડાસાના ધારાસભ્ય  પ્રદ્યુમનાસિંહ જાડેજા દ્વારા ભારે  વરસાદને કારણે કચ્છમાં નુકસાન પામેલા વિવિધ માર્ગો, તળાવો, ચેકડેમોના દુરસ્તી કામોની રજૂઆત કરી સંબંધિત વિભાગો દ્વારા આ કામગીરી ત્વરિત હાથ ધરાય તેવી રજૂઆત કરવા ઉપરાંત અબડાસા, લખપત તાલુકામાં બીઓપી પોસ્ટના રોડ બનાવવા, ગ્રામ વિકાસ વાટિકાના વિકાસકામો વગેરેની રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલાએ વિવિધ લોકપ્રશ્નોની રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટર એમ. નાગરાજને પદાધિકારીઓના પ્રશ્નો પરત્વે કાર્યવાહી હાથ ધરવાની સાથે કોઇ અડચણ કે વહીવટી પ્રશ્નો હોય તો તેનું ત્વરિત નિરાકરણ લાવીને સંબંધિત વિભાગોના અધિકારીઓને કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. આ ઉપરાંત અધિકારીઓ સાથેની બેઠકમાં પેન્શનના પ્રશ્નો, સરકારી લેણાં, મતદાર યાદીમાં દરેક વિભાગે પોતાના કર્મચારીઓ દ્વારા વિગતોની ખરાઇ  કરી લેવા તેમજ પ્લાસ્ટિક પ્રતિબંધ જાહેરનામાની અમલવારી કરાવવા, નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ ચાલુ કરાવવા તેમજ ટ્રાફિક નિયમનું સરકારી વિભાગોને પણ પાલન કરવા સૂચના અપાઇ હતી. આ બેઠકમાં  જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્ચિમ વિભાગના પોલીસવડા સૌરભ તોલંબિયા, પૂર્વ વિભાગના પરિક્ષીતા રાઠોડ, નિવાસી અધિક કલેકટર કુલદીપાસિંહ ઝાલા, ડીઆરડીએ નિયામક એમ. કે. જોષી, ભુજ પ્રાંત ગાવિંદાસિંહ રાઠોડ, અંજાર પ્રાંત ડો. વિજયભાઈ જોષી, અબડાસા પ્રાંત ડી. એ. ઝાલા, ભચાઉ પ્રાંત પી. એ. જાડેજા સહિત જુદા-જુદા વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer