આજે શ્રેણી જીતના ઈરાદે મેદાને ઉતરશે ટીમ ઈન્ડિયા

બેંગ્લોર, તા. 21 : મોહાલીમાં શાનદાર વિજય મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા આવતીકાલે અહીં ત્રીજી અને અંતિમ ટી-20 જીતવાના ઈરાદે ઉતરશે. ભારત માટે રિષભ પંતનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં કંગાળ પ્રદર્શન બાદ પંતે બીજી ટી-20 મેચમાં પણ માત્ર 4 જ રન કર્યા હતા. તેણે હવે ટીમમાં ટકી રહેલા માટે ફોર્મ ઝળકાવવું પડશે. ટીમમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અગાઉ જ કહી ચૂકયા છે કે પંતે બેદરકારીપૂર્વક રમવાનો અભિગમ છોડવો પડશે. ગઈકાલે નેટ પ્રેક્ટિસ દરમ્યાન પૂર્વ ભારતીય કપ્તાન રાહુલ દ્રવિડે ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી અને ખાસ કરીને પંતને સલાહ પણ આપી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકા સિરીઝ બરોબરી પર લાવવાના ઈરાદે ઉતરશે. કપ્તાન ક્વિન્ટન ડિ કોક અને રેમ્બા બવુમાએ ગત મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું. પણ ડેવિડ મિલર હજી સુધી અસલ રંગમાં આવ્યો નથી. આગામી વર્ષે આયોજિત ટી-20 વર્લ્ડકપને અનુલક્ષીને ભારતે આ શ્રેણીમાં અનેક યુવા ક્રિકેટરોને તક આપી છે. મોહાલીમાં કપ્તાન વિરાટ કોહલીએ ઝમકદાર બેટિંગ કરી હતી. બેંગ્લોરમાં રોહિત શર્માના બેટમાંથી મોટો સ્કોર નીકળે તેવી  ક્રિકટપ્રેમીઓને અપેક્ષા છે. ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રીષભ પંત, હાર્દિક પંડયા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સૈની. દક્ષિણ આફ્રિકા : ડિ'કોક (કેપ્ટન), રાસીવાન ડર દુસેન, ટેમ્બા બાવુમા, જૂનીયર ડાલા,  બ્યોર્ન પોરટુઇન, હેન્ડીક્સ, ડેવિડ મિલર, એનરિક નાંજે, ફેલુકવાયો, પ્રિટોરીયસ, કેગિસો રબાડા, શમ્સી, લીન્ડે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer