ભુજની ભાગોળે ટ્રક તળે બાઇક આવી જતાં વિજ્ઞાન સ્નાતક યુવાનનું મોત

ભુજ, તા. 21 : શહેરની ભાગોળે માધાપર તરફના ધોરીમાર્ગ ઉપર નળવાળા ચકરાવા નજીક આજે બપોરે ટ્રકની હડફેટે બાઇક આવી જતાં સર્જાયેલા અકસ્માતમાં દ્વિચક્રીના ચાલક એવા વિજ્ઞાન  પ્રવાહ સાથેના સ્નાતક યુવાન દીપ કિશન પઢિયાર (બારોટ) ઉ.વ. 21નું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. માધાપર હાઇવે ઉપર કાર્યરત આશાપુરા ટ્રેકટર્સ નામની પેઢીમાં કામ કરતો આશાસ્પદ યુવાન દીપ પઢિયાર આજે બપોરે દોઢેક વાગ્યે બપોરનું ભોજન લેવા વિશ્રાંતિના સમય દરમ્યાન તેના ઘરે માધાપર વિશાલ પેટ્રોલપંપ પાછળ આવેલા જલારામનગર જવા નીકળ્યો હતો ત્યારે તેને આ જીવલેણ અકસ્માત નડયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જી.જે.12-એ.એમ.-8680 નંબરની બાઇકથી જઇ રહેલો આ આશાસ્પદ યુવાન જી.જે.12 બી.ટી.-5579 નંબરની ટ્રક તળે આવી ગયો હતો. ટ્રકના ટાયરની વચ્ચે આ હતભાગી આવી ગયો હતો અને ગંભીર ઇજાઓ થવા સાથે તે સ્થળ ઉપર જ મોતના મુખમાં ધકેલાઇ ગયો હતો. પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયેલો હતભાગી દીપ વિજ્ઞાન પ્રવાહ સાથે સ્નાતક થયેલો હતો. અંતિમ વર્ષની પરીક્ષા પાસ કર્યા પછી તે વીસ દિવસ પહેલાં જ આ પેઢીમાં નોકરીએ લાગ્યો હતો. તે તેના માતા-પિતાના બે સંતાનમાં મોટો પુત્ર હતો. તેના પિતા ખાનગી લકઝરી બસનું ડ્રાઇવિંગ કાર્ય કરે છે. માધાપર હાઇવે ઉપર તાજેતરના વરસાદ બાદ સર્જાયેલા ખાડા પણ આજના અકસ્માત માટે કાંઇક અંશે નિમિત્ત બન્યા હતા. અકસ્માત થકી જલારામનગર સહિત સંબંધિતોમાં શોક ફેલાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer