ખારીરોહર-કંડલા વચ્ચે ડીઝલ ચોરીકાંડનો પર્દાફાશ

ગાંધીધામ,તા.21: પૂર્વ કચ્છ પોલીસની ગુનાશોધક શાખાએ કંડલા -ખારીરોહર તરફ જતી લાઈનમાંથી થતી ડીઝલ ચોરીના કારસ્તાનનોપર્દાફાશ કર્યો હતો.અલબત આ કાર્યવાહી  વેળાએ  હરહંમેશની જેમ છ જેટલા શખ્સો પોલીસને હાથતાળી આપી ભાગ્યા હતા.પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું  હતું કે ગઈકાલે રાત્રિના  સમયે કંડલા -ખારીરોહર જતા રોડની બાજુમાં આવેલી બી.પી.સી.એલ.ની કંપનીના પિલર નં.275 પાસેની પાઈપ લાઈનમાં  કાણું પાડી કેટલાક શખ્સો   ડીઝલ ચોરી કરતા હોવાની પૂ‰ર્વબાતમીના  આધારે  ગુનાશોધક શાખાએ તપાસ  હાથ  ધરતાં સમગ્ર  કારસ્તાન સપાટી ઉપર આવ્યું હતું.પોલીસે આ સ્થળેથી35 લિટરના કેરબા  નં. 158માં ડીઝલ.5530 લિટર કિં. રૂ.376040  તથા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા  કેરબા,પ્લાસ્ટિકનો ગાર્ડન પાઈપ, આરી પાનું, લોંખડનું  પંચ સહિત કુલે રૂ.396450નો મુદામાલ કબ્જે લીધો હતો. આ  કાર્યવાહીમાં આરોપી ગુલામ ઈશા ટાંક, ઈભલી અયુબ સરેચા, જાકુ ઈલિયાસ બુચડ, અબ્દુલ મામદ ભટ્ટી તથા અન્ય બે અજાણ્યા ઈસમો અંધારાનો લાભ લઈ બાવળની જાડીઓમાં નાસી ગયા હોવાનું પોલીસે જણાવ્યું  હતું.સમગ્ર મામલે  પોલીસે નાસી જનાર આરોપીઓ વિરુદ્ધ  ભારતીય દંડ સંહિતા, પેટ્રોલિયમ એકટ તથા  ડેમજ ટુ પબ્લિક પ્રોપર્ટીના કાયદાની વિવિધ કલમો તળે ગુનો નોંધી  આગળની તપાસ એલ.સી.બી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર વી.પી. જાડેજાએ  હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પોલીસ ટીમના  ઈ.ચા. પી.આઈ વી.પી. જાડેજા, પી.એસ.આઈ એન.વી.રહેવર સહિતનો સ્ટાફ જોડાયો હતો. નોંધપાત્ર છે કે કંડલા અને  આજુબાજુના વિસ્તારમાંથી પસાર થતી જુદી પેટ્રોલિયમ કંપનીઓની લાઈનોમાં લીકેજ  કે ભંગાણ સંદર્ભે ત્વરિત જાણ થતી હોવાના દાવાઓ એકમના સંબંધિતો  દ્વારા કરવામાં આવ્યા હતા. તેમ છતાં  આ પ્રકારની ચોરીના બનાવો અટકતા નથી. તેલચોરીના પ્રકરણમાં કંપનીની નજીકના કેટલાક લોકો પણ સામેલ હોવાનું  અનુમાન સેવાઈ રહ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer