વિથોણ પંથકમાં પવનચક્કીથી ખેડૂતો થયા માલામાલ

વિથોણ (તા. નખત્રાણા), તા. 21 : તાલુકાના આ પંથકમાં પવનચક્કીઓના પદાર્પણ થતાં બિનઉપજાઉ ખેતરો ઊંચા ભાવે ખરીદાતાં ખેડૂતોને જાણે લોટરી લાગી છે, તો વહેતી ગંગામાં હાથ ધોવા દલાલોની દોડધામ વધી છે. દલાલો ચોક્કસ ટકાવારી સાથે કંપનીઓને જમીન મેળવી આપે છે. જેમાં બંને બાજુએથી નફો મળવાથી રાજુ જેન્ટલમેન બની ગયા છે અને ખેડૂતો પણ માલામાલ બન્યા છે. થાંભલો ખોડવાથી માંડીને વીજરેસા પસાર થવાના રૂપિયા મળવાથી ખેડૂતો પણ લાલચમાં આવી ગયા છે. અત્યારે પવનચક્કી બેસાડવા માટે કંપની એકરના ચારથી પાંચ લાખ રૂપિયા ખેડૂતોને આપે છે. જેમાં  જમીન  દલાલો  પણ  ફાવ્યા છે. બીજીબાજુ સરકારી ગૌચર અથવા ગોવા પશુઓને આવવા અને જવાના રસ્તા ઉપર પવનચક્કીના તોતિંગ ટાવર બેસાડી દીધા છે. જે માલધારીઓ માટે મુસીબત છે. અધોછની સીમમાં નદીના કિનારે ટાવર ઊભું કરવાથી પશુનો ગોવો બંધ થઈ ગયો છે અને બીજી બાજુ  નદીની ઊંડી કોતરો હોવાથી પશુઓ નદીમાં પડી જાય તેવો ભય માલધારીઓને રહે છે. પવનચક્કી ઉદ્યોગ સ્થાપિત કરવા બાબતે છાસવારે ખેડૂતો અને માલધારીઓ સાથે ચમમક જરે છે. કારણ કે પવનચક્કીની મશીનરી અને માલસામાન પરિવહનને કારણે દેશી વૃક્ષોનું નિકંદન પણ નીકળે છે. બીજા પ્રાંતમાંથી આવેલા કર્મચારીઓને કચ્છની પર્યાવરણ પરિસ્થિતિનો અંદાજ હોતો નથી. એટલે તે વૃક્ષને ઉખેડવામાં સંકોચ કરતા નથી તેવી ફરિયાદ ઊઠી છે. આ સમસ્યા માત્ર વિથોણ પંથક પૂરતી નથી, આખો નખત્રાણા પંથક આવેદનો, ફરિયાદો કરી રહ્યો છે. જે ખેડૂતોને રૂપિયા મળ્યા છે તે ખામોશ છે, પરંતુ પર્યાવરણની વેદના સમજનારા ખેડૂતો, માલધારીઓ અને પર્યાવરણપ્રેમીઓ દુ:ખી બન્યા છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer