કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રીનાં પત્ની ગાંધીધામ આવતાં ડીપીટી ખડેપગે !

ગાંધીધામ, તા. 21 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના મહત્ત્વાકાંક્ષી સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (એસ.આઈ.પી.સી.) સંદર્ભે બબ્બે વખત કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખભાઈ માંડવિયાનો સંભવિત પ્રવાસ રદ થયો, પરંતુ તેમના પત્નીએ કચ્છની મુલાકાત લેતાં ડી.પી.ટી. પ્રશાસન ખડે પગે થઈ ગયું હતું. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઈકાલે વિમાન માર્ગે અહીં આવેલા શિપિંગ રાજ્યમંત્રીનાં પત્ની ગીતાબેન માંડવિયાને સત્કારવા ડીપીટીના વિવિધ વિભાગના વડા એવા સાત સાત અધિકારીઓ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમની આગતા-સ્વાગતાની વ્યવસ્થા ડીપીટીએ સંભાળી હતી. શહેરની ભાગોળે આવેલી સ્ટાર મનાતી હોટલમાં રાતવાસો કરનારા ગીતાબેને ભુજ બાદ આજે સવારે કંડલા બંદરની મુલાકાત પણ લીધી હતી. આજે બપેરે પુન: વિમાન માર્ગે તેઓ પરત અમદાવાદ રવાના થયા હતા. આ બનાવની વિગતો શહેર સંકુલમાં પ્રસરતાં આ મુલાકાત ચર્ચાનો વિષય બની હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer