છારી-ફુલાય ગામ ઐંયે જ કુલાય ?

છારી-ફુલાય ગામ ઐંયે જ કુલાય ?
ભુજ, તા. 10 : કચ્છ પર અનરાધાર વરસી રહેલા મેઘરાજાએ ભલે કચ્છીઓના દિલ ખુશ કરી નાખ્યા હોય પરંતુ હાલાકી અને તકલીફો પણ એવી વરસાવી છે કે જે ભોગ બન્યા છે એ ગામડાઓ માંડમાંડ વરસેલા વરસાદનો આનંદ પણ લઈ શકતા નથી અને ગગન ઘેરાય એ સાથે જ દહેશતમાં આવી જાય છે કે, ફરી શું થશે ? નખત્રાણા તાલુકાના અને નાની બન્ની તરીકે ઓળખાતા અમુક ગામડાઓ પણ નાની-મોટી હાલાકીઓ સાથે જીવી રહ્યા છે. જિલ્લાના દુર્ગમ અને અલ્પવિકસિત એવા આ ભુજ-નખત્રાણાને જોડતા નાની બન્ની વિસ્તાર પર ભાદરવાથી પણ પહેલાં અનરાધાર વરસેલા વરસાદે આવવા-જવાનો મુખ્ય એવો માર્ગ ધોઈ નાખ્યો, પાપડી પણ નબળા બાંધકામની સાક્ષી બનીને વહી ગઈ તથા 500 એકરથી વધુ ખેતીની જમીનનું ધોવાણ થઈ ગયું. વળી બહાર નીકળાય એવો એક પણ માર્ગ બચ્યો ન હોવાથી, વીજળી ગુલ થઈ ગઈ હોવાથી મોબાઈલ પણ ઠપ થઈ ગયા અને પારાવાર પીડામાં એકાદ સપ્તાહ માંડ પસાર થઈ ગયું ત્યારે હવે બહાર નીકળી શકાયું છે. વેડહાર મોટીના બહાદુરસિંહ સોઢા, પૂર્વ સરપંચ અબસલામ હાજી અબ્દુલ્લા, આરબ મિલણ, અમીન ખમીશા, ગેમરસિંહ મુળાજી સોઢા, ભૂરજી માસ્તર તથા હાજી મહમદ રહીમ સહિતનાએ વેડહાર મોટી, છારી, ફુલાય, અજોરિયા, મોતીચુર, પૈયા, તલ, લૈયારી અને ગેચડો ગામ પર મુશ્કેલીઓ વરસી હોવાનું જણાવી કમસે કમ ખેતીની જમીન ધોવાઈ ગઈ તેનો સર્વે થાય અને વળતર ચૂકવાય તેવી માંગ સાથે ઊભી થયેલી મુશ્કેલીઓ વર્ણવી હતી. આ આગેવાનોના જણાવ્યાનુસાર 30મીના જે ભારે વરસાદ પડયો તે પાપડી ધોઈ ગયો અને છેલા-નદી એવા તો વહેવા મંડયા કે ત્રણ-ચાર દિવસ સુધી બહાર નીકળવાના તમામ રસ્તા જ બંધ હતા. એ પ્રથમ તોફાની વરસાદ સાથે લગભગ ગામોમાં વીજળી વેરણ થઈ તે આજદિન સુધી પુન: પાટે ચડી નથી, લાઈટના અભાવે રાત્રે બફારામાં ઊંઘવું દુષ્કર છે. લોટ પણ મળ્યો નથી, મચ્છરો વધી ગયા હોવાથી અને વરસાદી પાણી સતત ભરાયેલા હોવાથી તાવ વધી રહ્યો છે. આ વિસ્તારના ગામડાઓમાં વેડહાર મોટી, ફુલાય, અજોરિયા અને મોતીચુરના તમામ રસ્તા બંધ હોવાથી આ ચારેય ગામ વિખૂટા છે. છારી-ફુલાય જૂથ યોજનામાં સમાવિષ્ટ આ ગામડાઓના રસ્તાઓની એવી તો દયનીય હાલત છે કે મોટું જીપ જેવું વાહન પણ ચાલી શકે તેમ નથી. દ્વિચક્રી વાહનોથી દર્દીઓને આ ખરબચડા માર્ગો પસાર કરાવતી વખતે સાથેના સશક્તો પણ માંદા પડે તેવી હાલત થાય છે. આ બધા જ ગામો છેલ્લા દશ-બાર દિવસથી બસ વિહોણા છે. ફુલાય-નખત્રાણા-ફુલાય બસ માત્ર વિદ્યાર્થીઓ પૂરતી આવતી તે પણ બંધ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ કાં તો શાળાએ જતા જ નથી અને કાં રખડતા-રખડતા પહોંચે છે. કન્યા કેળવણીનો છેદ જ ઊડી ગયો છે, એટલું જ નહીં વિરાણી, જતાવીરા, પૈયા, છારી, વેડહાર, ફુલાય માટે  પણ એકેય બસ નથી. જાણે વસતી જ ન હોય તેવું વલણ એસ.ટી., પી.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન બાંધકામ વિભાગનું છે. આ નાગરિકોએ તા 18/8ના ધારાસભ્ય અબડાસાનું ધ્યાન દોર્યું છે પણ કોઈ તંત્ર કે કોઈ સરકારી અમલદાર-કર્મચારી પૂછા  પણ કરવા પહોંચ્યા નથી. વધતો જતો તાવ કોઈનો  ભોગ લે એ પહેલાં બસ સેવા શરૂ થાય તો અન્ય મુશ્કેલીઓ આપોઆપ હલ થાય તેવી સૌની લાગણી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer