સતત વરસાદથી માંડવી તા. તાવના ભરડામાં

સતત વરસાદથી માંડવી તા. તાવના ભરડામાં
મોટા ભાડિયા (તા. માંડવી) તા. 10 : છેલ્લા દસ દિવસથી એકધારા વરસી રહેલા મેઘરાજા પોરો ખાવાનું નામ નથી લેતા. આવા વાતારણમાં સમગ્ર તાલુકામાં વાયરલ તાવે ભારે ઉપાડો લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. તો તાવ અને શરીદીના દરદીઓમાં પણ સરેરાશ કરતાં દોઢગણો વધારો નોંધાયો હોવાના સત્તાવાર સમાચાર પ્રાપ્ત થયા હતા. હાલની સિઝનમાં રોગચાળા બાબતની અને રોગચાળો વધુ ન ફેલાય તે અંગે ફિઝિશિયન સર્જન ડો. પરાગ  મરદાનિયાને પૂછતાં તેમણે કહ્યું કે, હવામાનમાં થયેલા ફેરફારના હિસાબે માખી અને મચ્છરના ઉપદ્રવના કારણે તાવ અને શરદીના દરદીઓમાં વધારો નોંધાયો છે. હાલના વાતાવરણમાં માણસોએ રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક લેવો જોઇએ અને બહારનું ખાવાનું બિલકુલ બંધ કરી દેવું જોઇએ. કારણ કે આવા રોગો સામાન્યપણે ચેપી હેય છે. ચોમાસાં પહેલાં લોકો વેકસીન લેતા નથી, જે ખરેખર ભૂલભરેલું છે. `વેકસીન' લેવાની જાગૃતિ વધે તે માટે સહિયારા પ્રયાસો કરવાની બાબત પર તેમણે ભાર મૂકયો હતો. જનરલ સર્જન ડો. કૌશિક શાહે જણાવ્યું કે, હાલ વરસતા વરસાદનું પાણી વહી જાય છે તેથી રોગચાળાને વકરવાને કોઇ અવકાશ નથી. લોકોએ ગભરાવાની જરૂરિયાત નથી. હા, તકેદારી જરૂરી છે. સરકારે ચોમાસા પહેલાં જરૂર જણાય ત્યાં અગમચેતીનાં પગલાં લીધાં છે. બિદડા પંથકના ડો. મયૂરભાઇ મોતાએ જણાવ્યું કે, માખી, મચ્છરનું પ્રમાણ વધતાં પંથકના પંદરથી વીસ ગામોમાં તાવ, શરદી અને ઝાળા-ઊલટીની બીમારીનું પ્રમાણ વધ્યું છે. સરેરાશ રોજના એઁકસો પચ્ચીસથી દોઢસો દર્દી આવતા હોવાનું ઉમેર્યું હતું. નાના મોટા આસંબિયાના ગામોમાં બીમારી વિશેષ હોવાનું જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ-માંડવીના અધીક્ષક ડો. કિશોર રોયે હોસ્પિટલમાં કાર્યરત તમામ વિભાગોની ઓ.પી.ડી. હાલ પાંચસોથી પાંચસો પચાસ વચ્ચેની છે, તેમાંથી ત્રણસો જેટલા દર્દી તાવ, શરદી અને ઝાળા-ઊલટીના હોય છે. તાલુકાના આરોગ્ય અધિકારી ડો. પાસવાને કહ્યું કે, તાલુકામાં હાલ પાણીજન્ય રોગો કયાંય નથી. બે લાખની વસ્તીની સામે આજ સુધી સામાન્ય મલેરિયાના માત્ર નવ કેસ અને ડેન્ગ્યુનો એક જ કેસ સામે આવ્યો હતો. આજની તારીખે તમામ દર્દીઓ ભયમુક્ત સાથે તંદુરસ્ત છે. સ્કૂલો, કોલેજો, ગામના જાહેર સ્થળોએ આરોગ્યના કર્મચારીઓ દ્વારા એપ્રિલથી અત્યાર સુધી સતત સેમિનારો, સંપર્ક કરી રોગચાળો ન ફેલાય તે માટેના પ્રયાસો કરી લોકોને અવગત કરાયા છે. બીમારીને દૂર હડસેલવા સરકાર અને પ્રજાજનોના સહિયારા પ્રયાસો કરાયા છે. તાલુકાના તમામ આરોગ્ય કર્મચારીઓ પૂર્ણ નિષ્ઠાથી ફરજ બજાવવા સાથે લોકસંપર્ક કરી ઘરની છત પર ટાંકીઓ, ટાંકાની જાળવણીની રીતથી વાકેફ કરી રોગચાળાને ઊગતો જ ડામવા સક્રિય પ્રયાસો કરાયા હતા. સગર્ભા માતાઓ તંદુરસ્ત રહે અને આવનારું બાળક પણ તંદુરસ્ત રહે તે માટે છેલ્લા ચાર મહિનામાં અત્યાર સુધી 2900 દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું છે. હાલ કોઇ જરૂરિયાત નથી. છતાં પણ કયાંક ખાસ કિસ્સા તરીકે જંતુનાશક દવાની જરૂરિયાત જણાશે તો તે પણ મર્યાદામાં ઉપયોગ કરાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer