વોંધના રામદેવપીરના મેળામાં અંદાજે દોઢ લાખ દર્શનાર્થી ઊમટી પડયા

વોંધના રામદેવપીરના મેળામાં અંદાજે દોઢ લાખ દર્શનાર્થી ઊમટી પડયા
ભચાઉ, તા. 10 : કચ્છના મોટા મેળાઓ પૈકીના એક એવા રામદેવપીરના અહીં યોજાયેલા બે દિવસીય મેળામાં દર્શનાર્થી સહેલાણીઓ ઊમટી પડયા હતા. જો કે, વરસાદી ઝાપટાંના દોરે વિઘ્ન સર્જ્યું હતું. મેળાના મુખ્ય દિને બપોરે  જોરદાર  વરસાદ વરસતાં મેળામાં મહાલતા સહેલાણીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે, મેળા સમિતિએ સંકુલમાં વિવિધ બજારોમાં કાંકરી, કપચી પાથરતાં રાહત રહી છે. છતાં દોઢેક લાખની  જનમેદની મંદિરના દર્શન, કીર્તન-ભજન સહિતના કાર્યક્રમમાં જોડાઇ હતી. મેળા સમિતિના  અગ્રણી અને શિવ-શક્તિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકસિંહ ઝાલાએ વિગતો આપતાં કહ્યું કે, રાત્રે સંતવાણીમાં 40 હજાર રૂપિયાની ઘોર થઇ હતી અને આવતા વર્ષે ભવ્ય સંતવાણી અને વિખ્યાત કલાકારોને બોલાવી યોજવા માટેના આર્થિક સહયોગની આ મેળામાં જેમના હસ્તે `નેજો' ચડાવાયો તેવા મનફરા હાલે મુંબઈ સ્થિત દાતા  જયંતીલાલ રતનશી ગડાએ જાહેરાત કરી હતી. મેળા સમિતિએ મેળામાં ભોજન પ્રસાદનો લાભ લેનાર છાડવાડાના માજી સરપંચ નોંઘાભાઇ કાથણભાઇ માતા (આહીર) હસ્તે પુત્ર દેવજીભાઇના આર્થિક સહયોગે 13,000 જેટલા લાભાર્થીઓએ ભોજનપ્રસાદ, ફળાહાર, ચા-પાણીનો લાભ લીધો હતો.તો 175 વર્ષની પરંપરા મુજબ અંજાર પ્રજાપતિ સમાજ દ્વારા મેળામાં દિવસે ભજન અને ભોજનની સેવા થાય છે તે મુજબ સ્વ. જીવરામ ભચુ પ્રજાપતિના ભાઇ રામજીભાઇ, પુત્રો કિશોરભાઇ, દિલીપભાઇ (પૂર્વ પ્રમુખ ભચાઉ ન.પા.)ના પરિવારજનો આજે પણ જાળવી છે. કચ્છ જિલ્લા એસ.ટી.ના વિભાગીય વડા બી.સી. જાડેજાએ ભુજથી ખાસ મેળામાં હાજર રહી ભચાઉ, લાકડિયા, રાપર, આધોઇથી ખાસ બસોની સુવિધા આપી હતી, જે માટે 15થી વધુ બસો અને ડ્રાઇવર, કન્ડક્ટર વગેરે સ્ટાફ મળીને 50 જેટલા કર્મચારી-અધિકારીએ સેવા બજાવી હતી. છકડા, જીપ, રિક્ષા, નાની-મોટી લકઝરી ચારે તરફથી મેળા માટે દોડયા હતા. તો મેળા સ્થળે કચ્છમાં આવતી જતી તમામ બસોને સ્ટોપ આપી મેળામાં જવા સવલત કરી હતી. મેળામાં કાયદો વ્યવસ્થા જાળવવા ગાંધીધામ સ્થિત પૂર્વ કચ્છના પોલીસવડા પરીક્ષિતા રાઠોડની સૂચના અનુસાર ભચાઉ સ્થિત નાયબ પોલીસવડા કે.જી. ઝાલા તેમજ અધિકારી-સ્ટાફ હાજર રહ્યા હતા. જ્યારે પીવાનાં પાણીની વ્યવસ્થા ભચાઉ સ્થિત કાર્યપાલક ઇજનેર શ્રી રાવે વ્યવસ્થા ગોઠવી હતી. મેળામાં  લોકોએ ખાણી-પીણીની જયાફત ઉડાવી હતી. ભચાઉ-નવાગામના મુંબઇ સ્થિત ઓસવાળોએ ભોજન પ્રસાદની સુવિધા કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer