કેરા કપિલાશ્રમનો ધૂણો પુન: પ્રજ્વલિત કરાયો

કેરા કપિલાશ્રમનો ધૂણો પુન: પ્રજ્વલિત કરાયો
કેરા (તા. ભુજ), તા. 10 : જ્યાં પાંચ શિખરબદ્ધ શિવ મંદિરો, પ્રેમનાથ સહિત ત્રણ સાધુ સમાધીઓ, બે માતાજી મંદિર અને ભગવાન સ્વામિનારાયણના ચરણાર્વિંદ સમગ્ર પરિસરને ધર્મમય બનાવી રહ્યા છે તો ભારતભરના ચાર કપિલ મુનિ આશ્રમ પૈકીના એક એવા કેરાના આ રમણીય સ્થળે સાધુ નિમાતાં જગ્યા જાગતી થઇ છે. નાથપંથી સમુદ્રનાથ બાપુએઁ વિધિવિધાનપૂર્વક છ દાયકા જૂના અખંડ ધૂણાને પુન: આહવાન કરી જગાડયો હતો. અને પૂજન અર્ચન કરી ક્ષમાયાચના કરી હતી. તેમણે કહ્યું કે દેવનાથ બાપુએ મને આ જગ્યાએ  બેસવા પ્રેરણા  આપી છે. હું તેને સનાતન ધર્મને ગૌરવ થાય તે રીતે સંભાળીશ. અહીં આવતા પર્યટકો, શ્રદ્ધાળુઓ અને કુદરતપ્રેમીઓ માટે અને ખાસ કરીને મહિલાઓ માટે યેગ્ય વાતાવરણ જાળવી રાખવા તેમણે ખાતરી આપી હતી. ધૂણો પુન: પ્રગટતાં ભાવિક વર્ગમાં આનંદની લાગણી પ્રગટી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત શિવાલયોના પુન: નિર્માણ માટે કુન્દનપરના અગ્રણી રવજી વેલજી કેરાઇ, કેરાના નવીનભાઇ પાંચાણીના પ્રયાસોથી સમિતિ રચાઇ હતી. અને નારાણપરના જાદવા પરબત વરસાણી સહિત કેરાના અનેક કણબી દાતાઓએ મંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તો અહીંના પાંચ મહાદેવ આધ્યાત્મિક સાથે ક્ષત્રિયોના સમર્પણના સાક્ષી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ ક્ષેત્રને દરેક પ્રકારના વ્યસનોથી દૂર રખાય તો પુન: ગાજતું થઇ શકે તેવી તાકાત ધરાવે છે. લોકોને અહીં આવતાં બીક ન લાગવી જોઇએ તેવું   જરૂરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer