કુળ અને મૂળ ઉત્તમ હોય તોય યાત્રામાં ધ્યાન રાખવું

કુળ અને મૂળ ઉત્તમ હોય તોય યાત્રામાં ધ્યાન રાખવું
રાજકોટ, તા. 10 : `અખબાર એ આચાર્ય છે. આચાર્ય દેવો ભવ:, તું અખબારને દેવ માન !  આજના કપરા કાળમાં શું માનવું એ નક્કી નથી થતું એવા કાળમાં આપણે જીવીએ છીએ અને કવિ રામધારીસિંહ દિનકર જેને આચાર્ય કહે છે એવું અખબાર ફૂલછાબ આપણી પાસે છે. ફૂલછાબ એ આચાર્ય કુળનું અખબાર છે.' ફૂલછાબના ઈતિહાસની તવારીખ વર્ણવતા પુસ્તક `ફૂલછાબ-કુળ અને મૂળ'નાં વિમોચન સમારોહમાં મોરારિબાપુએ ફૂલછાબની સફરને આશીર્વચનથી વધાવી હતી. જન્મભૂમિ જૂથના સીઈઓ  કુન્દનભાઈ વ્યાસ મુંબઈના વરસાદી વિઘ્નનાં કારણે ઉપસ્થિત નહોતા રહી શક્યા. મોરારિબાપુએ સંબોધન કરતાં જણાવ્યું કે, મારે બે મહિનાનું મૌન ચાલી રહ્યું છે પણ આ કાર્યક્રમ અગાઉથી નક્કી થઈ ગયો હોવાથી અહીં મંચ ઉપરથી બોલું છું, પણ ફૂલછાબ મને વહાલું છે અને મેં અગાઉથી વચન ન આપ્યું હોત તો પણ ફૂલછાબના કાર્યક્રમ માટે મૌન તોડી નાખત. અમુક અખબારોની મને સુગંધ આવે છે. ફૂલછાબના કુળ અને મૂળને ઊજાગર કરતો આ ગ્રંથ તૈયાર થયો, હું રાજી થયો. અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીજીને યાદ કરીને તેમની ચેતનાને વંદન કરું છું. આ પુસ્તકના લેખક જયમલ્લભાઈ પરમારને મળવાનું થયું છે. એમણે ફૂલછાબના પૂર્વ તંત્રી હરસુખભાઈ સંઘાણી અને જન્મભૂમિ જૂથના વર્તમાન મેનેજિંગ એડિટર કુન્દનભાઈ વ્યાસને પણ સંભાર્યા હતા. મોરારિબાપુએ સંબોધનમાં જણાવ્યું કે, પુરાણોમાં એવા દ્રષ્ટાંતો મળે છે કે, ઘણાનું કુળ સારું હોય છે પણ મૂળ સારું નથી હોતું. ઘણાનાં મૂળ અને કુળ બન્ને સારા હોય છે પણ કુકર્મના કારણે એમની યાત્રા ખરાબ થાય છે. રાવણનું કુળ ઉત્તમ છે, રાવણનું મૂળ પણ ઉત્તમ છે. કુળ પુલત્સ્ય ઋષિનું છે. રાવણનું મૂળ એ છે કે તે વૈકુંઠમાં દ્વારપાળનું પદ નિભાવતો હતો. દશાનન મહાન હોવા છતાં રાક્ષસ હતો. કુળ અને મૂળ ઉત્તમ હોવા છતાં યાત્રામાં ધ્યાન રાખવું પડે છે. `સૌરાષ્ટ્ર' અખબારનો આરંભ ગાંધીજીના આશીર્વાદથી થયો. ગાંધીજીનું કુળ પણ ઊંચું વૈષ્ણવ કુળ હતું. આજના વિષમ કાળમાં પણ આ અખબાર સચવાઈ રહ્યું છે.  જામનગરના મેયર હસમુખભાઈ જેઠવાએ ફૂલછાબના ભૂતકાળને વાગોળ્યો હતો અને કહ્યું કે, ફૂલછાબ એ તંદુરસ્ત અખબાર છે.  ફૂલછાબના વરિષ્ઠ પૂર્વ કર્મચારી અને `ફૂલછાબ-કુળ અને મૂળ' પુસ્તકના સંકલનકાર રાજુલભાઈ દવેએ `સૌરાષ્ટ્ર'થી `ફૂલછાબ' સુધીની સફર વિશે પુસ્તકોનાં પ્રકરણોનો ઉલ્લેખ કરી ચિતાર આપ્યો હતો. રાજુલભાઈએ જેમણે `ફૂલછાબ' નામ આપ્યું તે કક્કલભાઈ કોઠારી અને ગુણવંતભાઈ આચાર્યની વાત કરી હતી. તેમણે પુસ્તકનાં પ્રકરણોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, 1942 સુધી બ્રિટિશ શાસન સામે અડધો સંઘર્ષ પ્રજા લડતી અને અડધો સંઘર્ષ ફૂલછાબ લડતું. 1936માં જ્યારે ફૂલછાબ અને જન્મભૂમિ પર આક્ષેપો થયા ત્યારે આખો મામલો ગાંધીજી પાસે પહેંચ્યો. 1937ની એપ્રિલમાં તિથલમાં દેશ અને દુનિયાના પ્રશ્નો એકબાજુએ મૂકી ગાંધીજીએ બન્ને પક્ષોને સાત કલાક સુધી સાંભળ્યા. ગાંધીજી ભાગ્યે જ કોઈ કિસ્સામાં લવાદ થયેલા છે અને એમાં ફૂલછાબ અને જન્મભૂમિ પત્રોનો પણ સમાવેશ થાય છે.  ફૂલછાબના તંત્રી કૌશિકભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે, ફૂલછાબ માટે રાજકોટ પછી મહત્ત્વનું કેન્દ્ર જામનગર છે. સંસ્કૃતનું સૌથી સારું શિક્ષણ અહીં હતું. સંગીત શાળાઓ હતી. જેના ઊજળા કુળ હોય અને ઊંડાં મૂળ હોય તેનો જ ઇતિહાસ હોય. આ માત્ર ફૂલછાબનો નહીં પણ સમાજ જીવનનો પણ ઈતિહાસ છે. ગુજરાતી અખબારના ઇતિહાસનું પુસ્તક તૈયાર થયું હોય એવો આ પ્રથમ કિસ્સો છે. પુસ્તક વિમોચન સમારોહના અંતમાં આભારવિધિ કરતાં ફૂલછાબના મેનેજર નરેન્દ્રભાઈ ઝીબાએ જણાવ્યું કે, ફૂલછાબ અને જામનગરનો સંબંધ વર્ષો પહેલાંનો છે. જ્યારે જામનગરમાં ફૂલછાબને પ્રવેશ નહોતો અપાયો ત્યારે તંત્રી ઝવેરચંદ મેઘાણીને જામનગર માટે આમંત્રણ અપાયું. એ વખતે ઝવેરચંદભાઈએ કહેલું કે, ફૂલછાબ અને મેઘાણી અલગ નથી. જ્યાં ફૂલછાબ નથી ત્યાં મેઘાણી નહીં આવે. આ પુસ્તક વિમોચન સમારોહમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ભારતીય વિદ્યાભવન કેન્દ્રના ચેરમેન ભાનુભાઈ દોશી, ચિંતક-સાહિત્યકાર પ્રા. લાભશંકરભાઈ પુરોહિત, પદ્મશ્રી ડો. કે.એમ. આચાર્ય, જાણીતા ઉદ્યોગપતિ જયંતીભાઈ ચાંદ્રા, `નોબત'ના તંત્રી પ્રદીપભાઈ માધવાણી, રિલાયન્સના મીડિયા પર્સન પારીશ જોશી, પરેશ છાયા, ન્યારા રિફાઈનરીના પ્રફુલ્લ ટંકારિયા, અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ, કચ્છમિત્રના મુકેશભાઈ ધોળકિયા, ડો. ડોલરરાય માંકડ પરિવાર, બાપુની કથાના નિમિત્ત માત્ર યજમાનો રમેશભાઈ સચદે અને ચીમનભાઈ વાઘેલા, મનપા કોર્પોરેટરો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનાં આયોજન અને વ્યવસ્થામાં ફૂલછાબના સર્ક્યુલેશન મેનેજર દીપકભાઈ જોબનપુત્રા, અમિતભાઈ શાહ, તંત્રી વિભાગના યશપાલ બક્ષી, એકાઉન્ટ વિભાગના સંજયભાઈ અજાગિયા, જામનગર ઓફિસના દિનેશભાઈ વોરા અને ટીમના સદસ્યો જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer