કરબલાના શહીદોની શાનમાં કચ્છભરમાં જુલૂસ નીકળ્યા

કરબલાના શહીદોની શાનમાં કચ્છભરમાં જુલૂસ નીકળ્યા
ભુજ, તા. 10 : કરબલાનાં મેદાનમાં 72 સાથીદારો સાથે શહીદી વહોરી લેનારા ઇમામ હુશેનની યાદમાં મુસ્લિમ બિરાદરોએ યા હુસેન... યા હુસેન...ના નારા સાથે શણગારેલા ઘોડા-તાજિયા સાથે ભવ્ય જુલૂસ કાઢયું હતું. ભુજમાં ભારે માતમ સાથે તાજિયા જુલૂસ નીકળ્યું હતું. ઇમામ હુશેનની યાદમાં વિશ્વભરના કરોડો ઇસ્લામધર્મીઓ મોહરમ માસના પ્રથમ દશ દિવસ શોક મનાવે છે અને ત્યાર બાદ તાજિયા કાઢવામાં આવે છે. સમગ્ર સૃષ્ટિના દયારૂપ પયગમ્બરસાહેબના વારસ ઇમામ હુશેન અને સમગ્ર પરિવારે ત્રાસવાદીઓના સરદાર આતંકવાદના પાયારૂપ  શક્તિઓનો સત્યતાની અમરતા માટે મુકાબલો કરી પોતાનું અજોડ બલિદાન કરબલાની ભૂમિને અર્પિત કર્યું હતું.  અત્યાચારનો બહાદુરીથી મુકાબલો કરી અને શહીદીની અમરતા પામેલા. માનવજાત માટે પોતાનો અમર સંદેશો આપતા ગયા કે આવા પરિબળો સામે સત્યતાથી મુકાબલો કરતા રહો.  મહાન શંતિને વરેલો ભારત દેશ કોઇપણ જાતના ભેદભાવ વિના ઇમામ હુશેનની મહાન કુરબાનીને યાદ કરી મોહરમ તહેવારની ગમગીની સાથે ઉજવણી કરે છે. આ તહેવાર કોમી એકતા અને ભાઇચારા સાથે મનાવવામાં આવે છે. મોહરમ નિમિત્તે કોમી એકતા અને ભાઇચારાને અનુરૂપ કાર્યક્રમ જૂની ભીડ બજારનાં  આઝાદ ચોક મધ્યે યોજાયો હતો. કાર્યક્રમનું મુખ્યમહેમાનપદ સાંસદ વિનોદભાઇ ચાવડાએ, જ્યારે અતિથિવિશેષપદ  ડીવાયએસપી જે.એન. પંચાલ,  એ ડિવિઝન પી.આઇ. એમ.એન. ચૌહાણ,  બી ડિવિઝન પી.આઇ. એમ.જે. ઝલુ, રાજેદ્રાસિંહ જાડેજા,  હનીફ કુરેશી, પ્રબોધ મુનવર, નગરસેવકો કાસમ સમા, માલશી નામોરી, ફકીર મામદ કુંભાર, કાસમ કુંભાર, મામદશા શેખ, હારૂનભાઇ ત્રાયા, યાકુબભાઇ ખલીફા, પ્રતાપ ઠક્કરે શોભાવ્યું હતું.પ્રારંભે તાજિયા કમિટી પ્રમુખ ગની તાલબ કુંભારે પ્રસંગ પરિચય આપ્યો હતો, જ્યારે મંત્રી શહેઝાદ સમાએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને મીઠડો આવકાર આપ્યો હતો.  અલતાફ મણિયાર, નૂરમામદ સુરંગી, રજાક ભટ્ટી, રફીક મેમણે તાજિયા વિશે માહિતી આપી હતી. ઉપસ્થિત આગેવાનોએ ભુજ શહેરની કોમી એકતાને બિરદાવી હતી. સંચાલન રફીક બાવાએ, જ્યારે આભારવિધિ અજીજ કોઠારીએ સંભાળ્યા હતા. સીદ્દીવાળા રથ ભીડચોકમાં આવી પહોંચતાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઠેર-ઠેરથી ઘોડા તાજિયા પણ ભીડ ચોકમાં આવી પહોંચ્યા હતા. ઢોલ, નગારા, ચોકારા, કચ્છી ઓસાણીની ભારે રમઝટ જામી હતી. સાંસદ વિનોદભાઇ ચાવડા તથા ઉપસ્થિત  સર્વે આગેવાનોએ પ્રથમ રથને નાળિયેરથી વધાવી રથચાલકનું શાલ ઓઢાડી સન્માન કરી સ્ટાર્ટ આપ્યો હતો. ભીડ ચોક, ઠેર-ઠેર શબીલે હુશેન પીવડાવીને કોમી એખલાસનો સંદેશ પાઠવાયો હતો. શણગારેલા તાજિયા, તાબુશ, સેજ, રથ અને ઘોડા જોવા ઠેરઠેર લોકો વિશાળ સંખ્યામાં ઊમટી પડયા હતા.  ન્યાઝના દાતા હાજી કકલ પરિવાર તથા હાજી સિધિક બાયડ પરિવાર રહ્યા હતા. ન્યાઝ  વ્યવસ્થા હુશેની કમિટી દ્વારા કરવામાં આવી હતી જે ખલીફા યાકુબ, ઇમરાન ખલીફા, અબ્બાસ નોડે, રફીક નોતિયાર, જાવેદ કકલ, ઇકબાલ ધોબી, મનસુર બ્લોચ, આમદ સમેજા, અહેમદ ખલીફાએ સંભાળી હતી. હરહંમેશ મુજબ જુલૂસ કોમી એકતા, ભાઇચારો-એકતા, સંપ અને સંગઠન સાથે શંતિથી પસાર થયું હતું. વ્યવસ્થામાં  હાજી ત્રાયા,  મામદ કુરેશી, અભુભખર બાવા, સુલતાનશા સૈયદ, લધુભાઇ કુંભાર, કાસમ હુશેને સહયોગ આપ્યો હતો. એ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનોએ સહકાર આપ્યો હતો. સુંદર વ્યવસ્થાઓ બદલ તાજિયા કમિટી પ્રમુખ ઓસમાણ તાલબ કુંભાર તથા ઉપપ્રમુખ રફીક બાવા, મંત્રી શહેઝાદ અનવર સમાએ સૌનો આભાર માન્યો હતો. રાપરમાં સવારે માંડવી ચોકથી તાજિયા જુલૂસ નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી ફરીને માલી ચોક ખાતે પહોંચતાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અનુક્રમે સૈયદ સમાજના પ્રમુખ અનવરશા સૈયદ, ઇસ્માઇલભાઇ પણકા, મામદ નોડે, હાજીભાઇ ખાસકેલી, કુતુબશા શેખ, રસુલ ચૌહાણ, લાલમામદ રાઉમા, હાશમસા બાપુ, ભચુભાઇ ઘાંચી, રમજુ ઘાંચી સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપરાંત જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, નગરપાલિકા પ્રમુખ ગંગાબેન શિયારિયા, ઇન્ચાર્જ પી.આઇ. જે. એચ. ગઢવી, અનોપસિંહ વાઘેલા, ઉમેશ સોની, રશ્મિન દોશી, પીએસઆઇ બી. જે. પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, સેંઘાજી પરમાર સહિતના આગેવાનોએ  ઉપસ્થિત રહી હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મૂક્યો હતો. અને કરબલામાં શહીદ થયેલાઓને  યાદ કરી મહોરમની ઉજવણી કરવામાં  આવી હતી. ઉપસ્થિત આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાપર ખાતે સૌ પ્રથમ વખત મહિલાઓને તાજિયા જુલૂસમાં મનાઇ કરી ઉપરાંત ઢોલ પર ધમાલની પાબંધી મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી. મુંદરાના મુખ્ય માર્ગો ઉપરથી  તાજિયાનું જુલૂસ નીકળ્યું હતું. વિવિધ વિસ્તારો અને જમાતો દ્વારા નીકળતા તાજિયા તબેલા સ્થિત ગ્રાઉન્ડમાં એકઠા થાય છે. કાંઠાવાળા નાકા સુન્ની મુસ્લિમ જમાતના તાજિયાને લઇ જતા જમાત પ્રમુખ કાસમ આમદ થેબા ઉપરાંત કાસમ સમા, રફીક થેબા, ભટી જાનમામદ, મામદ કલ્યાણી, રહેમતુલા આદમ વગેરે જુલૂસમાં જોડાયા હતા. નલિયા : કરબલાના શહીદોની યાદમાં મોહરમ નિમિત્તે તાજિયાનું જુલૂસ ગામના મુખ્ય માર્ગો પરથી શાંતિથી પસાર થયું હતું. બે તાબુત, 1 સેજ અને 2 ઘોડા સહિતના જુલૂસમાં હિંગોરજા માતમ, તકિયા ચોક માતમ, હુસૈની ચોક, વોરા માતમ, વથાણ ચોક, રાઇ ચોક, ગોવાળ માતમ સહિતના માતામીઓ જોડાયા હતા. તાજિયાના રૂટ પર ધમાલ, ઓસાણી, લાઠી, તલવાર દાવ (ચક્કર) વગેરેએ આકર્ષણ જમાવ્યું હતું. નલિયાના બજારો અડધો દિવસ હિન્દુ-મુસ્લિમ તમામ ભાઇઓએ બંધ રાખ્યા હતા. નખત્રાણા  તાલુકાના મોટી વિરાણી ખાતે  બે દિવસ તાજિયાના જુલૂસ કાઢવામાં આવ્યા હતા. હુશેની ચોકથી વથાણ, મોટા ચોકથી નિયત રસ્તે ફેરવવામાં આવ્યા હતા. મુસ્લિમ જમાતના મુતવલી હાજી નૂરમામદ ખત્રી, પ્રમુખ અહમદભાઇ ખલીફા, હુશેન કુંભાર, ઉપપ્રમુખ અદ્રેમાન ચાકી, ઉમર એસ. ખત્રી (મહામંત્રી), અલીમામદ ખલીફા, મામદભાઇ સાટી, અબ્દુલા ચાકી, મામદ એસ. ખત્રી, હાજી સુલેમાન ખત્રી, આદમ સાટી, અકબર સાટી, ઓસમાણ લંગા, મુસ્તાક ચાકી, યુવક મંડળના પ્રમુખ જાકબ સાટી, ઉપપ્રમુખ ઓસમાણ ખલીફા, રમજુ કુંભાર,     મહામંત્રી કાસમ ચાકી વગેરે જોડાયા હતા. ઉપરાંત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. મામદ સાટી, સતાર સાટીએ ઓસાણી રજૂ કરી હતી. નખત્રાણા તાલુકાના કોટડા જ. સુન્ની મુસ્લિમ જમાત દ્વારા મોહરમનો તહેવાર ઊજવાયો હતો, જેમાં નવ દિવસ સુધી ઇમામના ઓટે મૌલાના બદ્રેઆલમે તકરીર ફરમાવી હતી. યુવા કમિટી દ્વારા દરરોજ શરબત પાણી પ્રસાદી વિતરણ કરાયું હતું. નવમા દિવસે ગોળની રાતે હિન્દુ ભાઇઓ દ્વારા ગોળની પ્રસાદી ચડાવવામાં આવી હતી. રાત્રે જુલૂસ સ્વરૂપે ગામના ચોકમાં ધમાલ ચક્કર સહિતના  કાર્યક્રમો યોજાયા હતા. અંતિમ દિવસે શોકમાં ધમાલ ચક્કર સહિતના કાર્યક્રમ બાદ સાંજ પછી ઠારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં  સમાજના અગ્રણી સાલેમામદ ભટ્ટી, ઉપસરપંચ આધમ જાગોરા, મહંમદ હુશેન ખત્રી, હુશેન લોહાર, હુશેન સમેજા, હબીબ હુશેન બાવા, અસલમ ચાકીએ જહેમત ઉઠાવી હતી. પોલીસ સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી. માંડવીમાં આજે યા હુશેન...ના નારા સાથે મોહરમના તાજિયા નીકળ્યા હતા, જેમાં તબેલા ફળિયા (કાંઠા ઉપર), ભડાલાપોળ તથા સલાયાના મુખ્ય તાજિયા   નદીમાં ફર્યા હતા, જેમાં ઇતિહાસમાં કહેવાય છે કે, પ્રથમ વખત સલાયાનો તાજિયો નદીમાંથી નહીં, પરંતુ વરસાદી પાણીના કારણે પુલ ઉપરથી લાવવામાં આવ્યો હતો. ઇસ્લામના મહાન પયગંબર હઝરત મોહંમદના દોહિત્ર ઇમામ હુશેન ઇરાકના કરબલાના મેદાનમાં સત્ય અને સિદ્ધાંતોની લડાઇમાં યઝીદ નામના શાસકને પડકાર ફેંકીને શહીદી વહોરી હતી. તાજિયા સમયે ઇલિયાસભાઇ થૈમ, હાજી આદમ થૈમ (ભોલુ શેઠ), ઇબ્રાહીમ ચૌહાણ, ઉમરભાઇ ભટ્ટી, હુશેન સિધિક જુણેજા, હાજી ઇસ્માઇલ હાજી હશન જુણેજા વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. ઠેકઠેકાણે શબીલે હુસેન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer