દરેક ધર્મ એક જ છે, માત્ર ભાષા અલગ છે

દરેક ધર્મ એક જ છે, માત્ર ભાષા અલગ છે
અંજાર, તા. 10 : શહેરમાં લશ્કરી ફળિયાના ઈમામવાડા માતામના ચોકમાં કરબલાના અમર શહીદોની યાદમાં માનસ મહોબ્બત મજલિશના કાર્યક્રમના અધ્યક્ષ અને સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે, કચ્છની કોમી એકતાની નોંધ સમગ્ર દેશમાં લેવાય છે. સર્વે કોમના વડીલો, ધાર્મિક સદ્ગુરુની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. કચ્છમાં શ્રીકાર વરસાદથી કચ્છના પશુધન, ખેતીને નવું જોશ મળ્યું છે ત્યારે સર્વે લોકો ભાઈચારાથી રહે તેવી શુભેચ્છા આપી હતી. પીર સૈયદ હાજી મખ્દુમઅલી હાજી તકીશા બાપુએ માનસ મહોબ્બતને સંબોધતાં કહ્યું કે, દરેક ધર્મ એક જ છે, માત્ર ભાષા જ અલગ છે. ધર્મ પ્રત્યેની આસ્થા વગરના માનવીનું જીવન નકામું છે. ધર્મ પ્રત્યે તિરસ્કાર ધરાવતા હંમેશાં દરેક જગ્યાએ તિરસ્કાર જ પામે છે. શહેરમાં 40 વર્ષથી આ સ્થળે યોજાતી આ કોમી સદ્ભાવનાના સૌના સહયોગને બિરદાવ્યો હતો. ઉપસ્થિત પૂર્વ કચ્છના પોલીસવડા પરીક્ષિતા રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી પ્રભવભાઈ જોશી અને નાયબ કલેક્ટર ડો. વિમલ જોશીએ પીર મખ્દુમઅલી બાપુના કોમી એકતા જાળવવાના પ્રયાસોની ભારોભાર પ્રશંસા કરી હતી તેમજ આવા પ્રયાસ માટે શુભેચ્છાઓ પણ આપી હતી. ઈમામવાડા માતામના ચોકમાં વર્ષોથી યોજાતી આ માનસ મહોબ્બત મજલિશમાં અંજાર શહેર મોહરમ તાજિયા કમિટીના પ્રમુખ પીર સૈયદ હાજી અનવરશા બાપુ દ્વારા ઉપસ્થિત રહેલા વિવિધ મંદિરોના ધર્મગુરુઓ, સંતો, વિવિધ સમાજના અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ તેમજ સમગ્ર કચ્છ જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા અધિકારીઓ, સ્થાનિક અધિકારીઓને મખ્દુમઅલી બાપુએ આશીર્વાદ આપ્યા હતા. પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, અંજાર સુધરાઈના ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, પૂર્વ નગરપતિ ધનજીભાઈ સોરઠિયા, પી.આઈ. ભરતસિંહ પરમાર, ડીવાયએસપી શ્રી વાઘેલા, મામલતદાર શ્રી રાજગોર, સુધરાઈના શાસક પક્ષના નેતા ડેનીભાઈ શાહ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ કોઠારી, તાલુકા હેલ્થ ઓફિસર રાજીવ અંજારિયા, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજા, મહેન્દ્રભાઈ કોટક, શિક્ષણ સમિતિના ચેરમેન કિશોરભાઈ ઠક્કર, સુધરાઈ વિપક્ષી નેતા અકબરશા શેખ, જિતેન્દ્ર ચોટારા, પુષ્પાબેન ટાંક, શહેર ભાજપ મહામંત્રી ક્રિપાલસિંહ જાડેજા, લીલાવતીબેન પ્રજાપતિ, જયશ્રીબેન ઠક્કર, જિગરભાઈ ગઢવી, જમીન વિકાસ બેંકના ચેરમેન માદેવભાઈ આહીર, ક્ષત્રિય સમાજ અગ્રણી દશરથસિંહ જાડેજા, સજ્જનસિંહ જાડેજા, કોંગ્રેસ અગ્રણી અરજણભાઈ ખાટરિયા, અમીરઅલીભાઈ લોઢિયા, સોરઠિયા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ પેડવા, ખત્રી સમાજ અગ્રણી ઈસ્માઈલભાઈ ખત્રી, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેજસભાઈ મહેતા અને આભારવિધિ તાજિયા કમિટીના પ્રમુખ સૈયદ અનવરશા બાપુ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન અંજાર માધવરાય મંદિર તેમજ રુદ્ર હનુમાનજી ભક્ત મંડળ દ્વારા આગેવાનોનું વિશેષ સન્માન કરાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer