મોથાળા ગામ ટાપુમાં ફેરવાયું

મોથાળા ગામ ટાપુમાં ફેરવાયું
મોથાળા, તા. 10 : અબડાસામાં અષાઢના અંતથી ચાલુ થયેલો વરસાદ બંધ થવાનું નામ નહીં લેતાં હવે તો એક ઝાપટું આવતાં જ નદીઓ બે કાંઠે વહેતી થઇ જાય છે, જેના કારણે તાલુકાનાં મોટી વસ્તીવાળા મોથાળા ગામની હાલત જાણે એક ટાપુ જેવી બની જાય છે. અબડાસાના પ્રવેશદ્વાર સમા મોથાળા ગામમાં પ્રવેશ કરવા ભુજ-નલિયા માર્ગે એક રસ્તો છે, બીજો નખત્રાણાથી પ્રવેશ કરી શકાય છે પરંતુ અત્યારે તો હાલત એવી છે કે બંને સ્થળે નદીઓ બે કાંઠે આવી જતી હોવાથી ગામમાં ન  અંદર જઇ શકાય કે ન બહાર નીકળી શકાય તેવી હાલત થાય છે. મુખ્ય એવી પાપડી છેલ્લા 15 દિવસથી રોજ આવી જાય છે જેમાં કલાકો સુધી વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ગ્રામજનો કલાકો સુધી અટકી જાય છે. હવે દરેક સ્થળે આવી પાપડીની જગ્યાએ નાના પુલ બનાવવામાં આવતા હોય છે, પણ અહીં લાંબા સમયની માંગ હોવા છતાં પુલ બનતો નથી. ગામના સરપંચ શિવજીભાઇ મહેશ્વરી અને અગ્રણી લક્ષ્મીશંકરભાઇ જોષીએ તાજેતરમાં મોથાળાની મુલાકાતે આવેલા કલેક્ટર સમક્ષ પણ પુલ બનાવવાની માગણી કરી હતી અને ત્યારબાદ સરપંચે કલેક્ટર સમક્ષ લેખિતમાં આવેદનપત્ર આપી મોથાળા ગામની આ ગંભીર સમસ્યા જે વર્ષોની છે તેનું નિરાકરણ લાવવા માગણી કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer