દેશની આંતરિક સુરક્ષા માટે સજાગ રહીએ તો મોટા ષડયંત્ર અટકી શકે

દેશની આંતરિક સુરક્ષા માટે સજાગ રહીએ તો મોટા ષડયંત્ર અટકી શકે
માંડવી, તા. 10 : અહીંની તાલુકા પંચાયત કચેરીમાં વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને લગતી બેઠક યોજાઇ હતી. આ કાર્યક્રમમાં ડી.એસ.પી.ના પ્રતિનિધિ ઇન્સ્પેકટર એ.એલ. મહેતા, ટી.ડી.ઓ. વિનોદ જોશી, મામલતદાર આર.બી. ડાંગી તેમજ તા.પં. પ્રમુખ ગંગાબેન સેંઘાણી, ઉપપ્રમુખ રાણશીં ગઢવી, કારોબારી ચેરમેન પ્રદ્યુમનસિંહ, દરેક ગામના સરપંચ અને તલાટીની હાજરીમાં વિવિધ મુદ્દા પર ચર્ચા થઇ હતી. પી.આઇ. મહેતાએ જણાવ્યું કે દેશની આંતરિક સુરક્ષા માટે સજાગ નાગરિક તરીકે પોતાના આંખ અને કાન ખુલ્લા રાખીએ તો ઝડપી સારી કામગીરી કરી શકાય અને મોટા ષડયંત્રને બનતા અટકાવી શકાય. તેમણે ઉમેર્યું કે કેવી રીતે અમદાવાદ પોલીસની સઘન તપાસથી અમદાવાદની અંદર બોમ્બ બ્લાસ્ટ થતા અટકયા અને ષડયંત્રકારોએ સ્થળ બદલવું પડયું હતું. સુરતમાં એક સફાઇ કામદારની સૂઝબૂઝના કારણે મોટો બોમ્બ બ્લાસ્ટ અટકી ગયો હતો. માંડવીમાં પણ એક ડ્રાઇવરની બાતમીને કારણે મોટા ડ્રગ્સનો જથ્થો ઝડપી શકાયો હતો. મામલતદારે ડિઝાસ્ટરને લગતી માહિતી સત્વરે કંટ્રોલ રૂમમાં આપવા સૂચના અપાઇ હતી. તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેને વહીવટી તંત્રને સહકાર આપવા માટે વિશ્વાસ પ્રગટ કર્યો અને તંત્ર સાથે ખભાથી ખભા મીલાવીને કામ કરવાની ધગશ બતાવી હતી. તાલુકા વિકાસ અધિકારી શ્રી જોશીએ આભાર માન્યો હતો. તલાટી અને સરપંચોને ગામદીઠ ઓછામાં ઓછા સો ઝાડવા મહાત્મા ગાંધી નરેગા યોજનામાં ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવી અને 14મા નાણાપંચની બચત રકમના આયોજનના ખર્ચની વિગતો મગાવવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer