આર્થરાઈટીસને હળવાશથી ન લ્યો, વ્યાપ વધશે તો મુશ્કેલી

આર્થરાઈટીસને હળવાશથી ન લ્યો, વ્યાપ વધશે તો મુશ્કેલી
ભુજ, તા. 10 : શરીરમાં સામાન્ય લાગતો વા આગળ જતાં (આર્થરાઈટીસ) મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સાવચેતી લેવા અને આધુનિક સંશોધન પ્રમાણેની સારવાર કરવા કચ્છના મેડિસીન વિભાગના તબીબો અને વિદ્યાર્થીઓને અમદાવાદના જાણીતા રૂમેટોલોજિસ્ટો (વા રોગના નિષ્ણાત)એ અદાણી મેડિકલ કોલેજમાં યોજાયેલા રૂમેટોલોજી પરિસંવાદમાં માર્ગદર્શન આપ્યું હતું. ભુજ મેડિકલ કોલેજના ઓડિટોરીયમમાં ઈન્ડિયન રૂમેટોલોજિકલ એસોસિયેશન અને અદાણી મેડિકલ કોલેજ (ગેઈમ્સ)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કોન્ફરન્સમાં અમદાવાદના નામાંકિત રૂમેટોલોજિસ્ટ ડો. સપન પંડયા, ડો. અનુજ શુક્લા અને ડો. તરલ પરીખે વાના રોગ વિશે કહ્યું કે, વાને હળવાશથી લઈ શકાય નહીં. સામાન્ય લાગતી આ વાત સંધિવાથી માંડી વ્યાપ વધે તો તે કિડની, ફેફસાં તથા હૃદય સુધી અસર કરી શકે છે. આ ઉપરાંત તેમણે વિશેષ માર્ગદર્શન આપતાં કહ્યું કે, આધુનિક સંશોધન મુજબ ડિસીઝ મોડિફાઈંગ રૂમેટોલોજિક ડ્રગ્સ (ડીએમઆરડી)ની જરૂરિયાત મુજબ સારવાર કરી દર્દીને તાકીદ (ઈમરજન્સી)ની પરિસ્થિતિથી બચાવી લેવો જોઈએ. સાંધામાં પાણી ભરાઈ જાય તે રસી ઉત્પન્ન થાય તે અવસ્થાને મેડિકલ સાયન્સમાં ઈમરજન્સી ગણાય છે. કચ્છમાં વા-સંધિવાનું નોંધપાત્ર પ્રમાણ હોવાથી જિલ્લાના તબીબોને તથા મેડિકલ વિદ્યાર્થીઓને વાના રોગ અને આધુનિક ઉપચારની જાણકારી આપવા પ્રો. ડો. જયેશ ત્રિવેદીના વડપણ હેઠળ થયેલા આ આયોજન પ્રસંગે અદાણી કેલેજના ડીન ડો. ગુરદાસ ખિલનાની, મેડિકલ ડાયરેક્ટર ડો. જ્ઞાનેશ્વર રાવ, સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારદર્શન આસિ. પ્રો. ડો. યેશા ચૌહાણે  કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer