દીકરી દિલનો દરિયો, તે ભણે તો બે કુળ તારે

દીકરી દિલનો દરિયો, તે ભણે તો બે કુળ તારે
ભુજ, તા. 10 : તાલુકાના મોખાણા ગામે રૂા. 55 લાખના ખર્ચે નવનિર્મિત સરકારી પ્રાથમિક કન્યાશાળાનું સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે શનિવારે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી આહીરે જણાવ્યું હતું કે, દીકરી દિલનો દરિયો છે, એક દીકરી ભણે તો બે કુળ તારે છે. આ તકે કન્યાશાળાની કમ્પાઉન્ડ વોલ માટે સાડાચાર લાખ મંજૂર કરવાની જાહેરાત કરી હતી. ઉપરાંત તેમણે મોખાણા-શારદાનગર-હીરાપર રસ્તાના કામો આગામી સમયમાં હાથ ધરાશે તેવી હૈયાધારણ આપી હતી. જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન હરિભાઈ જાટિયા અને મોખાણાના પૂર્વ સરપંચ ત્રિકમભાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતા. એએમડબલ્યુ કંપનીના પ્રતિનિધિ કર્નલ જોહરે કન્યાશાળાની પ્રથમ અને દ્વિતીય ક્રમાંક મેળવનાર દીકરીઓ માટે પાંચ-પાંચ હજારની કાયમી સ્કોલરશિપની જાહેરાત કરી હતી. પ્રારંભે દિનેશભાઈ વરચંદે સ્વાગત પ્રવચન કર્યું હતું. મોખાણાના સરપંચ લખીબેન, સામાજિક અગ્રણી રાણાબાપા, બક્ષીપંચ મોરચાના મનજીભાઈ આહીર, વાસણભાઈ ઢીલા, માજી સરપંચ ત્રિકમભાઈ સહિત વાસણભાઈ ઢીલા, તેજા ભૂરા ઢીલા, ભરતભાઈ વરચંદ, દેવજી મેરિયા સહિત આસપાસના ગામોના સરપંચ, ગ્રામજનો, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ગોવિંદભાઈએ જ્યારે આભારદર્શન માજી સરપંચ ધનાભાઈ ઢીલાએ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer