મુંબઇ સ્થિત કચ્છી દાતાનો સંથારો સીઝ્યો

મુંબઇ સ્થિત કચ્છી દાતાનો સંથારો સીઝ્યો
મુંબઈ, તા. 10 : જીવદયા અને માનવસેવા ક્ષેત્રે દાન આપવા માટે હંમેશાં તત્પર રહેનારા અને આગેવાન કચ્છી જૈન વેપારી ડુંગરશીભાઈ ટોકરશીભાઈ વોરાનો સંથારો સોમવારે સાતમા ઉપવાસે સીઝ્યો હતો. તેઓ કચ્છ નવીનાળ ગામના વતની હતા. તેઓ 82 વર્ષના હતા. એમનો જન્મ કચ્છ નવીનાળ ગામમાં થયો જ્યાં એમનું નાનપણ વીત્યું. એસએસસી સુધીનો અભ્યાસ પૂર્ણ ર્ક્યા બાદ કામ અર્થે મુંબઈ આવ્યા. એમની ધંધા માટેની ધગશ, ધૈર્ય, જોશ સાથે એમના ભાઈની સાથે મુંબઈમાં પ્રતિષ્ઠિત બ્રીચ કેન્ડી પરિસરમાં દુકાન ખરીદીને `અમરસન્સ' નામથી ડિપાર્ટમેન્ટ સ્ટોર શરૂ ર્ક્યો હતો. ધંધામાં પ્રામાણિકતા, મહેનત તથા ગ્રાહકોના સંતોષ અને વિશ્વાસથી આજે `અમરસન્સ' એક લોકપ્રિય નામ થયું છે. બ્રીચ કેન્ડી બાદ ડુંગરશીભાઈએ એમના બે પુત્રો મનીષભાઈ તથા નિમેષભાઈની સાથે બાંદ્રા (મુંબઈ) અને પુણેમાં ડિપાર્ટમેન્ટ સ્ટોર સ્થાપ્યા હતા. ડુંગરશીભાઈની સામાજિક પ્રવૃત્તિઓને કેમ ભૂલી શકાય. અબોલા જીવો માટે કહો કે પછી માનવસેવા માટે તેઓ સદૈવ તત્પર રહેતા. આજીવન એકાસણાનું તપ કરનારા એમનાં ધર્મસંગિની જવેરબેન સાથે સાધુ-સાધ્વીઓની વૈયાવચ્છ પણ ખૂબ કરી. અબોલા જીવો માટે કચ્છ ભુજમાં `અમરસન્સ બાંદ્રા પશુ હોસ્પિટલ'નું નિર્માણ થયું, જેનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું, હજુ પણ ત્યાં અનેક જીવોની સેવાનું કાર્ય ચાલુ છે. કચ્છ નવીનાળ મધ્યે `અમરસન્સ પશુ વાટિકા' જ્યાં લગભગ 500થી 700 ગાયોને ચારો તથા વૈદ્યકીય સેવાનાં કાર્યો થઈ રહ્યાં છે. મુંબઈના વિલે પાર્લેમાં `અમરસન્સ ભવન'ના નિર્માણથી સમાજના વડીલોની સેવા માટે તથા ત્રીઓના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઓ ચાલુ છે. આવાં અનેક કાર્યો  ડુંગરશીભાઈના હસ્તે થયાં છે. મેડિકલ કેમ્પનું આયોજન હોય કે પછી કોઈ ગરીબને મેડિકલ સહાયતાનું કાર્ય, અનાથ આશ્રમમાં અનાજ, કપડાંનું વિતરણ હોય કે પક્ષીઓને ચણ આપવાનાં કાર્યો હોય, આવાં સર્વે કાર્યોમાં તેઓ ખુશીથી અગ્રેસર રહેતા. અંતે પર્યુષણ પર્વના સંવત્સરી દિને એમને આત્માના કલ્યાણ અર્થે મહાતપ એવું અનશન તપ આદરીને તથા જેણે ત્રીજું મનોરથ ઘૂંટી રાખેલું એવા સર્વે જીવોને ખમાવી, મિચ્છામિ દુક્કડમ કરી, ચાર આહારનો ત્યાગ કરી, આત્મા ભાવે નાશવંત શરીરનો ત્યાગ કરી મોક્ષધામને પ્રાપ્ત કરવા પ્રયાણ ર્ક્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer