મંત્રાલય સુધી ફરિયાદો થતાં ડીપીટી અધ્યક્ષ બંદર ઉપર ધસી ગયા

મંત્રાલય સુધી ફરિયાદો થતાં ડીપીટી અધ્યક્ષ બંદર ઉપર ધસી ગયા
ગાંધીધામ,તા.10: છેલ્લા ઘણાં વર્ષથી દીનદયાળ બંદરે જેટીઓની ખસ્તા હાલત, સાફસફાઈનો અભાવ, કામદારો માટેની પાણી, શૌચાલયની બદતર સ્થિતિ, સુરક્ષાના સાધનોનો અભાવ, રાત્રે લાઈટોની અછત વગેરે પ્રશ્નોથી પીડાતા બંદર વપરાશકારોએ શિપિંગ મંત્રાલય સુધી કરેલી ફરિયાદને પગલે આજે ડીપીટી અધ્યક્ષ લાવ લશ્કર સાથે બંદરે ધસી ગયા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે આજે જાહેર રજા હોવા છતાં અધ્યક્ષ એસ.કે. મેહતાના આદેશને પગલે ડીપીટીના તમામ વિભાગીય વડા, ઉપવડા, ઈજનેર, જુનીયર ઈજનેર વગેરે તમામ ફરજ ઉપર હાજર થયા હતા. બંદરની અંદર વાર્ફ ઉપર ગંદકી, જેટીઓમાં થતી તૂટ ફુટ, રસ્તાની ખરાબ સ્થિતિ, કામદારો માટેના શૌચાલય, પ્યાઉ વગેરેની સ્થિતિ પણ ઉતરતી હોવા વગેરે કારણોસર બંદર વપરાશકારો લાંબા સમયથી ખફા હતા. ગાંધીધામ સ્થિત ડીપીટી પ્રશાસનીક ભવનમાં જ બેઠા રહેતા અધિકારીઓ મહિનામાં એકાદ વખત પણ બંદર ઉપર જતા નહીં હોવાથી બંદર નધણિયાતું થઈ જતું હોવાની લાગણી વ્યાપક બની હતી. શિપિંગ મંત્રાલયમાં આ અંગે ફરિયાદો થતાં મંત્રાલયે અધ્યક્ષનું પૂછાણું લીધું હતું. જેના પગલે અધ્યક્ષે આજે બંદરનું જાત નિરીક્ષણ કર્યું હતું અને વિભાગીય વડાઓને ફટકાર પણ લગાવી હતી. અધિકારીઓની આવી બેદરકારીને કારણે કારગો ખાનગી બંદર ભણી વળી જતો હોવાની વાત પણ ઉછળી હતી. દરમ્યાન તાજેતરમાં જ મરીન વિભાગના એક લશ્કરનું અકસ્માતે મોત થતાં કામદાર સુરક્ષાના સાધનોને લઈને કામદાર સંગઠનોએ પણ પસ્તાળ પાડી હતી. ડીપીટી અધ્યક્ષે આજની બંદરની મુલાકાત વખતે આ બાબતે પણ જાતમાહિતી મેળવી હોવાનું સૂત્રોએ કહ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer