સ્વચ્છતા અંગે ગાંધીધામ રેલવે મથકના સર્વેક્ષણ અર્થે ઓડિટ ટીમના ધામા

સ્વચ્છતા અંગે ગાંધીધામ રેલવે મથકના સર્વેક્ષણ અર્થે ઓડિટ ટીમના ધામા
ગાંધીધામ,તા.10 : દેશભરના રેલવે સ્ટેશનોને સ્વચ્છતાનું ઓડિટ કરવાની કાર્યવાહી આદરવામાં આવી છે. આ અંતર્ગત ગાંધીધામ રેલવે સ્ટેશનમાં ઓડિટ માટે ટીમે પડાવ નાખ્યો છે. અગાઉ દેશભરના `એ' કેટેગરીના રેલવે મથકોમાં ગાંધીધામનો પ્રથમ ત્રણમાં સમાવેશ થયો હતો. આ વખતે પણ પુન: તે સ્થાન મેળવવાનો ધ્યેય ગાંધીધામ રેલવે પ્રશાસનની ટીમે રાખ્યો છે. રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ સ્વચ્છ ભારત મિશન હેઠળ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદ ડિવિઝનના  ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે સોમવારથી સર્વે આદરવામાં આવ્યો છે.  સ્વચ્છ રેલવે અભિયાન અંતર્ગત દેશભરના  720 જેટલા રેલવે સ્ટેશનોનું સ્વચ્છતા ઓડિટ આદરવામાં આવ્યું છે. કાઉન્સિલની ટીમ દ્વારા રેલવે સ્ટેશનના ત્રણ પ્લેટફોર્મ, શૌચાલય, વેઈટિંગ રૂમ, પાર્કિંગ પ્લોટ, સ્ટેશનના આજુબાજુના વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બેદિવસીય સર્વે અંતર્ગત 200 જેટલા પ્રવાસીઓના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. કાઉન્સિલના પ્રતિનિધિ દ્વારા સર્વે કરી અહેવાલ તૈયાર કરવામાં આવશે જે કેન્દ્રીય રેલવે બોર્ડ અને વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવશે. તેના આધારે રેલવે બોર્ડ દ્વારા દેશભરના રેલવે સ્ટેશનોને સ્વચ્છતા અંગેનો ક્રમાંક આપવામાં આવશે. અગાઉ ગાંધીધામ રેલવે સ્ટેશન સ્વચ્છતા અને સૌંદર્યકરણ સ્પર્ધામાં ટોપ 3માં રહ્યું હતું. જો કે ગત વર્ષે પાછળ ધકેલાયું હતું. પુન: સ્વચ્છતા માટેના નવા માપદંડો અપનાવી અગ્રતા ક્રમે આવવા માટેના સઘન પ્રયાસ આદરવામાં આવ્યા છે. અને આ ક્રમ પુન: પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ પ્રશાસનના અધિકારીઓ વ્યકત કરી રહ્યા છે. આ વેળાએ અમદાવાદ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ એકઝીકયુટિવ ઈજનેર ફેડ્રીક પેરીયત, ગાંધીધામના સ્ટેશન મેનેજર (ઈન્ચાર્જ) મુકેશકુમાર વર્મા, ચીફ હેલ્થ ઈન્સપેકટર દિનેશકુમાર મીના, કોમર્શિયલ ઈન્સપેકટર વિવેક મિશ્રા, કલીનિંગ કોન્ટ્રાકટર સુપરવાઈઝર અશોકભાઈ, કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઓડિટર મયૂર સીરોયા, ઓડિટર સંદીપ મોર્યા વગેરે હાજર રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer