ડીપીટીના વિવિધ વિભાગો પરસ્પર આક્ષેપો કરતા રહ્યા!

ડીપીટીના વિવિધ વિભાગો પરસ્પર આક્ષેપો કરતા રહ્યા!
ગાંધીધામ, તા.10 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષે આજે કંડલા બંદરે નિરીક્ષણ હાથ ધર્યું ત્યારે એક તબકકે ડીપીટીના વિવિધ વિભાગો ઊણપો માટે પરસ્પર આક્ષેપો કરીને જવાબદારી ટાળતા હોવાનું ચિત્ર ઉપસ્યું હતું. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ડીપીટી અધ્યક્ષ એસ.કે. મેહતાએ પ્રથમ 13થી 16 નંબર જેટી ઉપર જઈને લાઈટિંગની વ્યવસ્થાની સ્થિતિ જાણી હતી. ત્યાં તેમણે જરૂરી સૂચનો કર્યાં હતાં. ત્યારબાદ તેઓ જેટી નં. 7થી 10 ઉપર આવતાં આ જેટીઓમાં પડતાં ગાબડાં, મરંમત વગેરેના પ્રશ્નો ઊભા થતાં ડીપીટીના વિભાગોએ જવાબદારીમાંથી છુટવા પરસ્પર આક્ષેપબાજી શરૂ કરી હતી અધ્યક્ષે આ બધું બંધ કરીને કામે લાગવા કડક તાકીદ કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે જેટી નં. 1થી 10 જે વર્ષો જૂનું બાંધકામ છે તેમાં હવે ગાબડાં પડી રહ્યાં છે. તેની મરંમત યોગ્ય રીતે થતી નથી પરિણામે આ જેટીઓ ઉપર માલના હેન્ડલિંગ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. અધ્યક્ષની આજની મુલાકાત અગાઉથી નકકી હોવાથી લીંપાપોતી કરાઈ હતી અને 10મી બર્થ પાસે કામચલાઉ ભૂંસી નાખીને ગાબડાં પૂરી દેવાયાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer