રાજ્યમાં ટ્રાફિક દંડની રકમ 50 ટકા ઘટાડાઇ

અમદાવાદ, તા. 10 (અમારા પ્રતિનિધિ તરફથી) : કેન્દ્ર સરકારે અમલી કરેલા આકરા દંડની જોગવાઇ સાથેના નવા મોટર વ્હીકલ એક્ટને ગુજરાતે હળવો કરીને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં મોટરવ્હીકલ એક્ટનો આગામી 16 સપ્ટેમ્બરથી કડક અમલ કરવામાં આવશે તેવી જાહેરાત મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કરી છે. મુખ્યપ્રધાને સ્પષ્ટ કર્યુ હતું કે, આ નવા નિયમોનો અમલ લોકોને હેરાન કરવા નહીં પરંતુ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે છે. સામાન્ય વ્યક્તિઓ પર નાણાકીય ભારણ ઓછું પડે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થાય તે માટે રાજ્ય સરકારે જૂના કાયદાની સરખામણીમાં નવા કાયદામાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા દંડની રકમના 50 ટકા જેટલી રકમમાં ઘટાડો કર્યો છે.  રાજ્ય સરકારે મોટર વ્હીકલ એક્ટ હેઠળ આવતા 18 જેટલા ગુનાઓમાં દંડની જોગવાઇ કરી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ એવી પણ જાહેરાત કરી હતી કે, કોઇપણ વ્યક્તિ તેના સ્માર્ટફોનમાં ડિજિટલ લોકરમાં મોટર વ્હીકલ એક્ટને લગતા જેવા કે, આર.સી.બુક, લાઇસન્સ, પીયુસી, ઇન્સ્યોરન્સ જેવા ડોક્યુમેન્ટની નકલ રાખી હશે તો તેને માન્ય ગણાશે. આ અંગેની સૂચના પણ ટ્રાફિક અને આરટીઓ વિભાગને આપી દેવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું કે, સરકારનો હેતુ દંડ વસૂલવાનો કદાપિ નથી, પરંતુ લોકો ટ્રાફિકના નિયમોની અમલવારી કરે તે છે. આ દંડની અમલવારી જાહેર જનતાની રોડ પરની સલામતી જળવાય, અકસ્માતનું પ્રમાણ ઘટે, અકસ્માતથી થતા મૃત્યુમાં ઘટાડો થાય અને એક પણ નિર્દોષ નાગરિકની અમૂલ્ય જિંદગીનો ભોગ ન લેવાય તે બાબતનો સરકારને અભિગમ છે. રાજ્ય સરકાર આજે જાહેર કરેલા 18 ગુનાના નવા દંડમાં મહત્ત્વના એવા પૂરઝડપે વાહન ચલાવવું, રજિસ્ટ્રેશન વગર કે ફિટનેસ વગર વાહન ચલાવવું, દારૂ અથવા ડ્રગ્સના નશામાં -નશાયુક્ત હાલતમાં વાહન ચલાવવાના ગુનામાં કડક જોગવાઇ કરાઇ છે. ખાસ કરીને થર્ડપાર્ટી વીમા વગર વાહન ચલાવવા અને જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ લેવા જેવા ગુનામાં કેન્દ્ર સરકારે જાહેર કરેલા દંડની રકમને રાજ્ય સરકારે પણ યથાવત્ રાખી છે. થર્ડપાર્ટી વીમા વગર વાહન ચલાવવાના ગુનામાં પ્રથમ વખત રૂા. 2000 અને બીજી વખત રૂા. 4000નો દંડ, જ્યારે જાહેર જગ્યામાં રેસ કરવી કે સ્પીડની ટ્રાયલ લેવા જેવા ગુનામાં પ્રથમ રૂા. 5000 અને પછી બીજી વખતના ગુનામાં રૂા. 10,000નો દંડ લેવામાં આવશે.  ટ્રાફિક સંબંધિત પ્રજાને સ્પર્શતા ગુનાઓની જોગવાઇ મુજબ, જો વાહનચાલકે  હેલ્મેટ ન પહેરી હોય તો પ્રથમ વખત રૂા. 500નો દંડ થશે. જો આ પછી પણ હેલ્મેટ વગર પકડાશે તો ફરી  વખત પણ રૂા. 500નો દંડ ચૂકવવાનો રહેશે. જો કે દ્ધિચક્રી વાહનમાં પાછળ બેસનારને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે મોટરકારમાં સીટબેલ્ટ ના બાંધી હોય તો તે પ્રકારના દરેક ગુનામાં રૂા. 500નો દંડ ચૂકવવાનો રહેશે. મોટરકારમાં માત્ર ફ્રન્ટ સીટ અને ડ્રાઇવર સીટ પૂરતું મર્યાદિત રહેશે, પરંતુ ચાઇલ્ડ રીસ્ટેન્ટ માટે નહીં. કારના કાચ ઉપર ડાર્ક ફિલ્મ હોય તો પ્રથમ વખત રૂા. 500 અને બીજી વખત રૂા. 1000 જ્યારે ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરાશે તો પ્રથમ વખત  રૂા. 500 અને બીજી વખત રૂા. 1000 દંડ પેટે ચૂકવવાના રહેશે. આ ઉપરાંત લાયસન્સ, વીમો, પીયુસી, આરસી બુક વગેરે દસ્તાવેજો સાથે ન હોય અથવા પીયુસી કઢાવેલું ન હોય તો પ્રથમ વખત રૂા. 500 અને બીજી વખત રૂા. 1000, અડચણરૂપ પાર્કિગના ગુનામાં પ્રથમ વખત રૂા. 500 અને બીજી વખત રૂા. 1000 જ્યારે  મોટરસાઈકલમાં ત્રણ સવારીના ગુનામાં રૂા. 100નો દંડ યથાવત રાખવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ લાઈસન્સ વગર વાહન ચલાવવાના ગુનામાં ટુ વ્હીલરના રૂા. 2000, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર કે તેથી ઉપરના કોઇપણ વાહનમાં રૂા. 3000નો દંડ ચૂકવવાનો રહેશે. જ્યારે રજિસ્ટ્રેશન વગર વાહન ચલવાવાના ગુનામાં ટુ વ્હીલરના રૂા. 1000, થ્રી વ્હીલરના રૂા. 2000, ફોર વ્હીલરના રૂા. 3000 અને અન્ય વાહનોના રૂા. 5000નો દંડ ચૂકવવો પડશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer