તોયબાના આઠ આતંકીની ધરપકડ

શ્રીનગર, તા. 10 : જમ્મુ કાશ્મીરમાં આતંક મચાવવાના એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી દેવામાં આવતાં મોટી ઘાત ટળી ગઈ છે. લશ્કરે તોયબાના આઠ આતંકીની ધરપકડ સાથે ખતરનાક મોડયુલનો પર્દાફાશ થયો છે. આ પ્રકારના મોડયુલની શોધખોળ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370ની નાબૂદી બાદથી ત્રાસવાદીઓ અને કટ્ટરપંથીઓ ખતરનાક ઇરાદા પાર પાડવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ સફળતા મળી રહી નથી. સુરક્ષા દળો દ્વારા વિવિધ કઠોર પગલાંના લીધે ત્રાસવાદીઓને સફળતા મળી નથી. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સેના અને પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે.  સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનમાં  તોયબાના આઠ ત્રાસવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. કાશ્મીરમાં એજન્સીઓને મળેલી બાતમીના આધાર પર બારામુલ્લાના સોપોરમાં કાર્યવાહી કરીને સેના અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ત્રાસવાદીઓની કઠોર પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા શખ્સો પાસેથી કેટલીક ચોંકાવનારી માહિતી સપાટી પર આવી શકે છે. કાશ્મીરમાં કલમ 370ને નાબૂદ કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ કોઇ પણ રીતે સ્થિતિને ખરાબ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. યુવાનોને ઉશ્કેરવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. પકડી પાડવામાં આવેલા લોકો બારામુલ્લામાં દુકાનદારોને બજાર બંધ રાખવા માટે ધમકી આપી રહ્યા હતા. સાથેસાથે ધમકી ભરેલા પોસ્ટર જુદા જુદા વિસ્તારમાં લગાવવા માટેની કામગીરીમાં સામેલ હતા. ધરપકડ કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer