યુનોમાં નાપાક જુઠાણાં ફગાવતું ભારત

નવી દિલ્હી, તા. 10 : ભારતે સ્વિત્ઝર્લેન્ડનાં જિનીવામાં સંયુક્તરાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (યુએનએચઆરસી)ની બેઠકમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા આક્ષેપો સામે સણસણતો જવાબી હુમલો બોલાવવામાં આવ્યો હતો. કાશ્મીરમાં માનવ અધિકારના ભંગના જે આક્ષેપો પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યા હતા તેનું ખંડન કરતાં ભારતે પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યું હતું. ભારતે પાકિસ્તાનને જવાબ આપતાં કહ્યું હતું કે, કાશ્મીરમાં જે નિયંત્રણો લાગુ કરવામાં આવેલા તે સાવધાનીના ભાગરૂપે કરવામાં આવેલી કાર્યવાહી હતી. તેમાં ઘણાં અંશે છૂટછાટ પણ આપવામાં આવેલી છે. વિદેશ મંત્રાલયના પૂર્વ સચિવ વિજય ઠાકુર સિંહે કહ્યું હતું કે, ભારતના આંતરિક મામલાઓમાં કોઈ દેશ ચંચૂપાત કરી શકે નહીં. મુશ્કેલીઓ છતાં જમ્મુ-કાશ્મીરમાં પ્રશાસને આવશ્યક ચીજોનો પુરવઠો ખોરવાવા દીધો નથી. પ્રતિબંધોમાં પણ રાહત અપાઈ રહી છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા તમામ આક્ષેપો વાંધાજનક દુષ્પ્રચાર અને ખોટા આરોપો છે. જમ્મુ-કાશ્મીરમાં ભેદભાવ દૂર કરવાનો નિર્ણય સંસદીય માર્ગે લેવાયેલો નિર્ણય છે પરંતુ દુનિયા જાણે જ છે કે આવાં બનાવટી ચિત્રો આતંકવાદનાં કેન્દ્રમાંથી ઉભા કરવામાં આવી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનાં ભારત સરકારનાં પગલાં પછી બેબાકળાં બનેલા પાકિસ્તાને હવે સંયુક્તરાષ્ટ્રની માનવ અધિકાર પરિષદ (યુએનએચઆરસી)માં આ મુદ્દે જૂઠાણાં ફેલાવવાનાં પ્રયાસો કર્યા છે. પાકિસ્તાને આજે  11પ પાનાનાં ખોટા આક્ષેપોનાં પટારા સમાન દસ્તાવેજ સાથે યુએનએચઆરસીમાં કાશ્મીરની સ્થિતિ વિશે ભારત ઉપર આરોપ મૂક્યા હતાં. પાક.નાં વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ ભારત ઉપર માનવ અધિકારનાં હનનનો આરોપ લગાવતા કહ્યું હતું કે આ ભારતનો આંતરિક મામલો નથી અને તેમાં યુનોએ હસ્તક્ષેપ કરવો જોઈએ.  યુએનએચઆરસીનાં 42મા અધિવેશનમાં આજે કુરેશીએ ભારત ઉપર આક્ષેપો કરવામાં ભાજપનાં ઘોષણાપત્રનો ઉલ્લેખ પણ કરી નાખ્યો હતો. કુરેશીએ આરોપ લગાવ્યો હતો કે, તેમાં કાશ્મીરમાં બળજબરીથી મુસ્લિમોને લઘુમત બનાવવાની વાત કરવામાં આવી છે. કાશ્મીર ભારતનો આંતરિક મામલો નથી. ત્યાં અત્યારે કબ્રસ્તાન જેવી ભેંકાર શાંતિ છવાયેલી છે. ત્યાં નરસંહાર ચાલી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનાં લોકોનાં મૂળભૂત અધિકારોને ભારત દ્વારા કચડી નાખવામાં આવ્યા છે. ત્યાંના લોકોની મૌલિક સ્વતંત્રતાનો શિકાર થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં 7થી 10 લાખ જેટલા સૈન્યદળો ખડકી દેવામાં આવેલા છે. છેલ્લા છ અઠવાડિયામાં ભારતે જમ્મુ-કાશ્મીરને દુનિયાનું સૌથી મોટું કેદખાનુ બનાવી નાખ્યું છે. ત્યાં જરૂરિયાતની પ્રાથમિક વસ્તુઓ પણ મળતી નથી. કાશ્મીરમાં છ હજારથી વધુ નેતાઓ ને સામાજિક કાર્યકરો ઉપરાંત વિદ્યાર્થીઓને પણ કેદ કરી લેવામાં આવ્યા છે. આટલું જ નહીં પણ કુરેશીએ તો રોહિંગ્યા અને ગુજરાતનાં કોમી તોફાનોનો ઉલ્લેખ પણ કરવામાં છોછ રાખ્યો ન હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer