ટ્રમ્પની ફરી વાટાઘાટની દરખાસ્ત !

વોશિંગ્ટન, તા. 10 : નવી દિલ્હી દ્વારા વારંવાર `કાશ્મીર એ દ્વિપક્ષીય મુદો્ છે' એવું કહેવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી ભારત અને પાકિસ્તાનને આ મુદે્ તનાવ ઓછો કરવામાં સહાયતાની દરખાસ્ત કરી છે. 9મી સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતાં ટ્રમ્પે કહ્યું કે, `જો તેઓ (ભારત અને પાકિસ્તાન) ઇચ્છે તો હું તેની સહાય કરવા માગું છું. તેઓ એ જાણે છે.' તેમણે કહ્યું કે, `જેમકે તમે જાણો છો કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીર મુદે્ વિવાદ છે. મને લાગે છે કે, હવે સ્થિતિ બે સપ્તાહ પહેલાંની સ્થિતિથી ઓછી તનાવપૂર્ણ છે. ટ્રમ્પનું આ નિવેદન ગત મહિને ફ્રાન્સમાં ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચે જી-7 સંમેલન દરમ્યાન થયેલી વાટાઘાટ બાદ આવ્યું છે. બેઠકમાં બંને નેતા એ વાત પર સહમત થયા હતા કે, કાશ્મીર ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો એક દ્વિપક્ષીય મુદો્ છે, જેમાં ત્રીજા પક્ષની કોઇ ભૂમિકા નથી. ટ્રમ્પે આ પહેલાં પણ આ મામલે મધ્યસ્થતાનો પ્રસ્તાવ આપ્યો હતો, જ્યારે તેમણે જુલાઇમાં કહ્યું હતું કે, મોદીએ ઓસાકામાં બેઠક દરમ્યાન તેમને આ (મધ્યસ્થી) માટે કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer