કુરેશીએ માન્યું કાશ્મીર ભારતનું !

જિનિવા, તા. 10 : કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાનની વિશ્વસ્તરે બબડાટ કરવાની તમામ કોશિશો નિષ્ફળ જઇ રહી છે. પાકિસ્તાને જિનિવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએન એચઆરસી)માં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ અંતે દુષ્પ્રચાર કરતાં-કરતાં સાચી વાત પણ મોઢામાંથી નીકળી ગઇ હતી. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો માની લીધો છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય છે. પાકિસ્તાનની બડબડાટ ખૂલીને સામે આવી રહી છે. તે દરેક મંચ પર ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ  આજે તેને ફરી એક પછડાટ ખાવી પડી છે. માધ્યમો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, `ભારત દુનિયાને એ દેખાડવા માગે છે કે, કાશ્મીરમાં જીવન ફરીથી સામાન્ય થઇ ગયું છે. જો આવું હોય તો ભારત પોતાનાં જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય માધ્યમો, એનજીઓ અને સિવિલ સોસાયટીને શા માટે નથી જવા દેતા, જેથી કે ત્યાંની સ્થિતિ જોઇ શકે ?' સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાને બીજીવાર કાશ્મીર રાગ આલાપ્યો હતો. કુરેશીએ પાયા વિનાનો આરોપ લગાડતાં કહ્યું કે, કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રની દરખાસ્તોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે અને પરિષદ માનવાધિકાર ઉલ્લંઘન પર ધ્યાન આપે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer