ભારત-નેપાળ પેટ્રો પાઇપલાઇનનું લોકાર્પણ

નવી દિલ્હી, તા. 10 : ભારત અને નેપાળે આજે મોતીહારી-અમલેખગુંજ તેલ પાઈપલાઈનનું લોકાર્પણ કર્યુ હતું. દક્ષિણ એશિયામાં સીમાની આરપાર પેટ્રોલિયમ પેદાશો માટેની આ સૌપ્રથમ કડી છે. આ પાઈપલાઈન લેન્ડલોક્ડ (ચોમેર જમીની વિસ્તાર ધરાવતા) નેપાળને તેની ઊર્જાની માંગને પહોંચી વળવામાં અને ઈંધણના પરિવહનના ખર્ચને ઘટાડવામાં  મદદરૂપ થશે. પીએમ નરેન્દ્ર મોદી અને તેમના નેપાળી સમકક્ષ કેપી શર્મા ઓલીએ વાયા વીડિયો લિન્ક આ પાઈપલાઈન સંયુકતપણે ખુલ્લી મૂકી હતી. પીએમ મોદીએ આ તકે વીડિયો કોન્ફરન્સિંગથી જણાવ્યુ હતું કે `201પમાં નેપાળના ભૂકંપ બાદ  તેના પુન:નિર્માણનું બીડું ઝડપવા ભારતે તેના પડોશી અને નિકટતમ મિત્રદેશ હોવાના નાતે સહયોગનો હાથ આગળ વધાર્યો. નેપાળના ગોરખા અને નુવાકોટ જિલ્લાઓમાં અમારા સહયોગથી સંખ્યાબંધ ઘર વસ્યા તેની મને ખુશી છે. દ.એશિયાની આ પ્રથમ ક્રોસ-બોર્ડર પાઈપલાઈન રેકર્ડ સમયમાં-અપેક્ષિત કરતા અર્ધા સમયમાં-પૂરી થયાનો સંતોષ છે.'  તાજેતરના વર્ષોમાં બંને દેશની મિત્રતા વધી છે. નેપાળમાંના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં બિહારના મોતીહારી શહેરમાંથી ડીઝલ સપ્લાય કરવા 60 કિમી લાંબી આ પાઈપલાઈનનો ઉપયોગ કરાશે. સીમાની તેઓ તરફથી બાજુએ પાઈપલાઈનને સલામતી પૂરી પાડવા નેપાળ આર્મીએ જરૂરી તજવીજ કરી છે. હાલ પેટ્રોલિયમ પેદાશો ભારતથી નેપાળ ટ્રકો વાટે મોકલવામાં આવી રહ્યું છે, આ વ્યવસ્થા '73ની સાલથી અમલી છે. ભારત-નેપાળ ઊર્જા સહકાર પ્રોજેકટ આપણા ગાઢ દ્વિપક્ષી સંબંધોનું પ્રતીક છે. નેપાળ ઓઈલ કોર્પોરેશન (એનઓસી) પેટ્રોલિયમ પેદાશોના ફ્રેઈટમાં વર્ષે રૂા. બે અબજ બચાવી શકવાની આશા રાખે છે. તેમ જ પેટ્રોલિયમ પેદાશોનું લીકેજ ઘટવા થકી પણ લાખો રૂપિયાની બચત થવાની ધારણા છે. આ પાઈપલાઈન પ્રોજેકટ સૌપ્રથમ 1996માં સૂચવાયો હતો. જો કે પીએઁમ નરેન્દ્ર મોદીની કાઠમંડુની મુલાકાત દરમિયાન તેને અંતિમ ઓપ આપી શકાયો. તે અમલી બનાવવા ઓગસ્ટ '1પમાં સમજૂતી પર સહીસિકકા થયા હતા,પરંતુ નેપાળમાં '1પમાં થયેલા ભૂકંપના કારણે તથા દક્ષિણીય સરહદે સપ્લાય બાધાના કારણે તેના બાંધકામમાં વિલંબ થયો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer