રેન્કિંગમાં કોહલી પર સ્મિથની સરસાઇ મજબૂત

દુબઇ, તા. 10 : એશિઝ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા કાંગારૂ બેટસમેન સ્ટીવ સ્મિથે આઈસીસી ટેસ્ટ ક્રમાંકમાં તેનું ટોચનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. બેટિંગમાં સ્મિથ ટોચ પર છે તો બોલિંગમાં કાંગારૂ ઝડપી બોલર પેટ કમિન્સ નંબર વન છે. આ બન્ને ખેલાડીએ ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ઇંગ્લેન્ડ સામેની 18પ રનની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.  માંચેસ્ટર ટેસ્ટમાં 211 અને 82 રનની ઇનિંગ રમનારા સ્મિથના હવે 937 પોઇન્ટ થયા છે અને તેના બીજા સ્થાન પરના ભારતીય સુકાની વિરાટ કોહલી (903)થી 34 પોઇન્ટની સરસાઇ ધરાવે છે. સ્મિથના તેના સર્વશ્રેષ્ઠ પોઇન્ટથી હવે ફકત 10 રેટિંગ દૂર છે. 2017માં તે 947 રેટિંગ સુધી પહોંચ્યો હતો. જ્યારે કમિન્સ તેની કેરિયરના શ્રેષ્ઠ 914 રેટિંગ પર છે. જે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં પાંચમા સર્વાધિક અંક છે. ઓસિ. તરફથી સંયુકત રીતે સર્વાધિક છે. ગ્લેન મેકગ્રાના 2001માં 914 રેટિંગ જ હતા. રબાડા બીજા અને બુમરાહ ત્રીજા નંબર પર છે. જ્યારે બાંગ્લાદેશ સામેના ટેસ્ટમાં 11 વિકેટ લેનાર અફઘાન સુકાની રાશિદ ખાન 69મા ક્રમેથી સીધો જ 37મા નંબર પર આવી ગયો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer