પોરબંદરથી દિલ્હીની સાઈકલ- યાત્રાનું કચ્છમાં આગમન

ગાંધીધામ, તા. 10 : દેશના નાગરિકોને સ્વસ્થ અભિયાન ભારત તથા નશામુકત ભારતનો સંદેશો આપવાના હેતુથી પોરબંદરથી રાજધાની દિલ્હી સુધીની સાઈકલયાત્રા કચ્છમાં પ્રવેશતાં કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી ખાતે પોલીસ પ્રશાસન દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.  મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી નિમિત્તે સી.આઈ.એસ.એફ. અને બી.એસ.એફ.ના જવાનો દ્વારા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરથી સાઈકલયાત્રા પ્રયાણ કરી આગામી તા. 2-10ના રાજઘાટ, નવી દિલ્હી ખાતે પહોંચશે. આ રેલી આજે કચ્છ જિલ્લામાં પ્રવેશી હતી. પોલીસ મહાનિરીક્ષક ડી.બી. વાઘેલા અને પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડની સૂચનાના આધારે આ યાત્રાનું સ્વાગત કરાયું હતું.  સી.એ.પી.એફ. અને આસામ રાઈફલના અધિકારી જવાનોનું સામખિયાળી પોલીસ અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બી.એસ.એફ.ના કમાન્ડન્ટ એ.કે. તિવારી, સેકન્ડિંગ કમાન્ડન્ટ આલોક ભૂષણ, ડેપ્યુટી કમાન્ડન્ટ એ.કે. સિંઘ, પી.કે. જોશી વગેરે  રેલીમાં હાજર રહ્યા હતા.  પોલીસવડા પરીક્ષિતા રાઠોડ, ભચાઉના નાયબ પોલીસવડા કે.જી. ઝાલા, પ્રાંત અધિકારી શ્રી જાડેજા, ભચાઉ મામલતદાર શ્રી વાછાણી, સામખિયાળી પી.એસ.આઈ.  આર.એમ. ઝાલા, લાકડિયા પી.એસ.આઈ. બી.વી. ચૂડાસમા અને ગ્રામજનો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. આ વેળાએ રેલીમાં જોડાયેલા આસામ રાઈફલના જવાનો દેશભક્તિનાં ગીત ઉપર ઝૂમી ઉઠયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer