કચ્છની વિમાન સેવામાં ઉઘાડી લૂંટ

ભુજ, તા. 10 : ભારતના આર્થિક વિકાસને જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર એક તરફ માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ધાર વ્યકત કરી રહી છે ત્યારે આ સરહદી જિલ્લામાં હવાઇ સેવાની મોટી ઊણપ અને ઉતારુઓને લૂંટવાની મનોવૃત્તિ હવે જનઆક્રોશનું કારણ બને એવા સંજોગો આકાર લઇ રહ્યા છે.   ભુજ કે કંડલાથી મુંબઇ જવાનું હવાઇ ભાડું અમદાવાદથી દુબઇ જવા જેટલું થઇ જતું હોવાનું ઉદાહરણ ટાંકીને નાગરિકો હવે ત્રાહિમામ પોકારી ગયા હોવાની રાવ ઊઠવા લાગી છે. અત્યાર સુધી ભુજમાં જેટ એરવેઝ અને એર ઇન્ડિયાની વિમાની સેવા ઉપલબ્ધ હતી.  પરંતુ જ્યારથી જેટની સેવાનો સંકેલો થયો છે ત્યારે સપ્તાહમાં માત્ર ચાર દિવસ ઊડતી એર ઇન્ડિયાની સેવા જિલ્લાની જરૂરતને પહોંચી વળવા અપૂરતી સાબિત થઇ ચૂકી છે. જેટના વિકલ્પમાં કંડલા વિમાનમથકેથી સ્પાઇસ જેટ દ્વારા મુંબઇની દૈનિક સેવા શરૂ તો થઇ છે તે પણ જાણે કમાવવા માટે હોવાની કડવી છાપ ઉપસી રહી છે.  કચ્છના ઉદ્યોગજગત ઉપરાંત મુંબઇના શ્રેષ્ઠીઓ અને એનઆરઆઇ કચ્છીઓ માટે વિમાની સેવા અનિવાર્ય બની ચૂકી છે તેવા સમયે ભુજ અને કંડલાની અધકચરી ઉપલબ્ધિ ખરા અર્થમાં સરકારની હાંસી સમાન બની રહી હોવાનું વર્તુળો બેધડક કહે છે.  આજે હાલત એવી છે કે તાકીદના સમયમાં હવાઇ સફર કરવા મુંબઇનું જવાનું-આવવાનું ભાડું દસ હજારથી માંડીને 20 હજારની વચ્ચે થઇ જતું હોય છે. આની સરખામણીએ અમદાવાદથી દુબઇની હવાઇ ટિકિટ દસ હજારની અંદર સરળતાથી મળી જાય છે. ભુજની વાત કરીએ તો અદ્યતન વિમાનમથક હોવા છતાં હાલે એર ઇન્ડિયાનું નાનું વિમાન  સપ્તાહમાં ચાર દિવસ મુંબઇ વચ્ચે ઊડે છે. આને લીધે એરપોર્ટને સંલગ્ન એવા ટેક્સી અને ટ્રાવેલ એજન્ટ જેવા વ્યવસાયીઓની હાલત કફોડી બની છે. વર્તુળોના જણાવ્યા મુજબ વિમાનમથકે સલામતીની જવાબદારી સંભાળતા સીઆઇએસએફના કામના ભારણમાં સાવ ઘટાડો થઇ જતાં જવાનો અને અધિકારીઓ કંટાળી ગયા હોવાની લાગણી અનુભવતા થઇ ગયા છે. કંડલામાં કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ઉડાન યોજના અમલમાં છે.નાગરિકો સાવ ઓછા દરે હવાઇ સેવાનો લાભ લઇ શકે તે માટેની આ યોજના તળે કંડલા-અમદવાદ વચ્ચે ટ્રુ જેટ અને કંડલા મુંબઇ વચ્ચે સ્પાઇસ જેટના વિમાનો ઉડ્ડયન ભરે છે.  આ નાના એવા વિમાનમથકે બપોરે બસ સ્ટેશને કે રેલવે સ્ટેશન કરતાં વધુ ભીડ જામતી હોય છે.  આ ઓછું હોય તેમ મુંબઇની હવાઇ યાત્રા માત્ર 2,500માં કરાવવા માટે સબસિડી ધરાવતી ઉડાન યોજના જાણે ઊડી ગઇ હોય એવો તાલ સર્જાયો છે.  મોટાભાગે સાત હજારથી 15 હજાર રૂપિયાને આંબી જતા મુંબઇની ટિકિટના દર ઉડાન યોજનાના મૂળભૂત સિદ્ધાંતની હાંસી ઉડાવી રહ્યા છે.કચ્છમાં મુંબઇ સાથેના વિમાની વ્યવહારની માંગ એટલી બધી છે કે એરલાઇન્સો તેમની સસ્તા ભાવની ટિકિટોની સંખ્યા બહુ મર્યાદિત રહે એ રીતે બુકિંગ કરે છે.  આ ઓછા ભાવની ટિકિટો ઉદ્યોગગૃહોને ક્વોટામાં અપાઇ જતી હોવાનું પણ વર્તુળો કહે છે. આવામાં એરલાઇન્સની વેબસાઇટમાં કચ્છ સાથેની ટિકિટો પળભરમાં આસમાનને આંબી જતી હોય છે. આવા સંજોગોમાં કચ્છને હવાઇ સેવામાં તાકીદે વધારો થાય એવા પગલાં લેવાની સાથોસાથ એરલાઇન્સ કંપનીઓ પર ટિકિટોના દરને મર્યાદિત રાખવાની કડક સૂચના અપાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નાગરિક ઉડ્ડયન વિભાગે ખાસ ધ્યાન આપવું જોઇએ એમ સામાન્ય નાગરિકો રોષભેર ઇચ્છી રહ્યા છે.    

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer