કિડાણાના તળાવમાંથી બીજા દિવસે યુવાનનો મૃતદેહ મળતાં ઊઠયા વમળ

ગાંધીધામ, તા. 10 : તાલુકાના કિડાણા ગામ નજીક આવેલા તળાવમાં ગઈકાલે ગોમતીબેન કોળીની લાશ મળી આવ્યા બાદ આજે સવારે ગાંધીધામ મહેશ્વરીનગરના કીર્તિ ગોવિંદ પાતારિયા (મહેશ્વરી) (ઉ.વ. 24)ની તરતી લાશ મળી આવી હતી.પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગઈકાલે સવારે ચામુંડાનગર ગાંધીધામની ગોમતી નામની યુવતીની લાશ મળી હતી. ચામુંડાનગરમાં જ ગેરેજનું કામ કરનારા કીર્તિ નામના યુવાનની આજે સવારે લાશ મળી આવી હતી. એક સંતાનના પિતા એવા આ યુવાનની પત્ની રીસામણે માવિત્રે હોવાનું પોલીસે ઉમેર્યું હતું. અકાળે મોતને ભેટનારા યુવક અને યુવતી ગત તા. 9ની સાંજથી ગુમ હતા. દરમ્યાન ગઈકાલે યુવતીની લાશ મળી આવી હતી. ગઈકાલે અહીંથી યુવાનની સ્કૂટી નંબર જી.જે. 12-બી.એન 8459 મળી આવી હતી. આ વાહન તેને તેના સસરાએ આપ્યું હોવાનું ખુલ્યું હતું તેમજ ગઈકાલે મોબાઈલ મળ્યો હતો તે પણ આ યુવાનનો જ હતો. યુવતીની લાશનું પી.એમ. કરાવવા માટે તેની લાશને જામનગર લઈ જવાઈ હતી. આ બન્નેએ સજોડે આત્મહત્યા કરી હતી કે પછી અન્ય કાંઈ છે તે સહિતના પ્રશ્નો પરથી પડદો ઊંચકવા માટે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer