ખારીરોહરમાં તાજિયા દરમ્યાન હત્યાથી ચકચાર

ગાંધીધામ, તા. 10 : તાલુકાના ખારીરોહર ગામમાં તાજિયા વખતે કિડાણા રહેતા હુસેન મામદ જંગિયા (ઉ.વ. 60) નામના વૃદ્ધ ઉપર ગુપ્તી વડે હુમલો કરી પાંચ શખ્સોએ તેમનું ઢીમ ઢાળી દીધું હતું, તો મારામારીના આ બનાવમાં એક યુવાનને જીવલેણ ઇજાઓ પહોંચી હતી. આરોપીઓ પૈકી એકને પકડી લેવામાં આવ્યો હતો. ખારીરોહરમાં ગત મધ્યરાત્રિએ હત્યાનો આ બનાવ બન્યો હતો. કિડાણામાં રહેતા મૂળ ખારીરોહરના જ હુસેન જંગિયા અને તેમના નાના ભાઇનો દીકરો સલીમ ગઇકાલે મોહરમ નિમિત્તે ખારીરોહર આવ્યા હતા. ગઇકાલે રાત્રે તાજિયા પડમાં આવ્યા તેની સાથે હમીદ સિદિક પઠાણ, અભુ સિદિક પઠાણ, જુસબ સિદિક પઠાણ અને તેમના બે બનેવી હુસેન જંગિયા પાસે આવ્યા હતા. ચાર ઇસમોએ હુસેનને પકડી લેતાં અને હમીદ પઠાણે ગુપ્તી વડે હુમલો કરતાં આ વૃદ્ધને છાતીમાં ઇજાઓ પહોંચી હતી. આ ઇજાઓને પગલે વૃદ્ધનું મોત થયું હતું. દરમ્યાન, તેમની સાથે આવેલો તેમનો ભત્રીજો સલીમ વચ્ચે પડતાં આ ઇસમોએ તેના ઉપર ગુપ્તી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેને પેટ?અને પગમાં ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. મોહરમ નિમિત્તે તાજિયા જોવા આવેલા હજારો  લોકોમાં  હત્યાના આ બનાવથી નાસભાગ થઇ હતી. બાદમાં મામલો શાંત પડયો હતો. આ બનાવમાં આરોપી એવા હમીદ પઠાણના કાકાની ચાર-પાંચ વર્ષ અગાઉ હત્યા થઇ હતી, જે બનાવમાં હુસેન જંગિયા સંડોવાયેલો હોવાનું જે તે સમયે ખુલ્યું હતું. આ બનાવ બાદ હુસેન જંગિયા કિડાણા રહેવા જતા રહ્યા હતા અને ગઇકાલે મોહરમ નિમિત્તે તાજિયા જોવા આવતાં હત્યાનો બદલો હત્યાથી લેવાયો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. આ બનાવ બાદ પોલીસે હમીદ પઠાણની ધરપકડ કરી હતી. તેની પાસેથી બનાવમાં વપરાયેલી ગુપ્તી અને તેના લોહીવાળાં કપડાં જપ્ત કરાયાં હતાં. ગામમાં અન્ય કોઇ?અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હોવાનું પી.આઇ. જે. પી. જાડેજાએ જણાવ્યું હતું. તાજિયા પ્રસંગે હત્યાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer