ગાંધીધામના ગીચ વિસ્તારમાંથી રોકડ, મોબાઇલની ચીલઝડપ

ગાંધીધામ, તા. 10 : શહેરમાં ગીચ અને મધ્યમવર્ગીય લોકો વસવાટ કરે છે એવા ભારતનગર વિસ્તારમાં આજે ધોળા દિવસે એક વૃદ્ધાના હાથમાં રોકડા રૂા. 16,000 તથા મોબાઇલ જે થેલીમાં હતો તે થેલીની એક શખ્સ ચીલઝડપ કરી નાસી ગયો હતો. આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. શહેરના જૂના એ-ડિવિઝન પોલીસ મથક નજીક ગઇકાલે એક કારના કાચ તોડી તેમાંથી રોકડા રૂા. 3.38 લાખની થયેલી ચોરીના બનાવમાં હજુ કાંઇ?હાથમાં આવ્યું નથી તેવામાં આજે ભારતનગરમાં ચીલઝડપના બનાવથી લોકોમાં ચિંતા પ્રસરી હતી. આજના આ બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ભારતનગરની મુખ્ય બજારમાં એક વૃદ્ધા પગપાળા જઇ રહ્યા હતા. આ વૃદ્ધા અંજલિ પ્રોવિઝન સ્ટોર પાસે પહોંચ્યા હતા ત્યારે પાછળથી બાઇક પર સવાર એક શખ્સ ત્યાં આવ્યો હતો. તે થેલીની ચીલઝડપ કરી નાસી ગયો હતો. આ થેલીમાં રોકડા રૂા. 16,000 તથા એક મોબાઇલ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. આ બનાવના પગલે એકલવાયું જીવન જીવતા વૃદ્ધા રીતસરના ડઘાઇ ગયા હતા. આ અંગે વેપારીઓએ પોલીસનું ધ્યાન દોરતાં પોલીસ ત્યાં તાબડતોબ દોડી આવી હતી. આ બાઇકચાલક કોણ અને કઇ?બાજુ ગયો તે તપાસવા માટે પોલીસે પોતે લાખોના ખર્ચે લગાવેલા સી.સી. ટી.વી. કેમેરા તપાસતાં આ કેમેરા બંધ?હાલતમાં જણાયા હતા. શહેરના ટ્રાન્સપોર્ટનગરમાં આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી ઇફકો પાસે ખારેક લેવા ઊભો હતો ત્યારે તેની એક્ટિવામાંથી લાખો રૂપિયાની ચોરી થઇ?હતી. શક્તિનગરમાં રૂા. 43 લાખની લૂંટનો બનાવ, આદિપુરમાં જુમાપીર ફાટક પાસે રોકડા રૂા. 16 લાખની લૂંટ, આદિપુરમાં 13 દિવસીય બાળકીનું અપહરણ, ગઇકાલે કારમાંથી રૂા. 3.38 લાખની ચોરી અને આજે ભારતનગરમાં વૃદ્ધા પાસેથી ચીલઝડપનો બનાવ આ એકેય બનાવોમાં પોલીસે લાખોના ખર્ચે લગાડેલા સીસી ટીવી કેમેરા કામ આવ્યા નથી, તેવું સૂત્રો જણાવી રહ્યા છે. તો આ લાખોના ખર્ચે લગાડેલા કેમેરા માત્ર?ઇ-મેમો આપવા માટે જ લગાડાયા છે કે શું તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. આ કેમેરા લગાડતી વખતે હવે સંકુલમાં ક્રાઇમ રેટ નીચો જવાની અને આવા તત્ત્વોને ત્વરીત પકડી પાડવાની વાતો પોલીસ દ્વારા કરાઇ?હતી. પરંતુ આવા એકેય બનાવોમાં કેમેરા ક્યાંય મદદરૂપ થયા હોય તેવું જણાતું નથી. ભારતનગરના આ બનાવમાં વેપારીઓએ પોતાની દુકાનોમાં લગાવેલા કેમેરા તપાસતાં ચીલઝડપ કરનાર એક શખ્સ બજારમાં થોડે સુધી સીધો ગયા બાદ વાલ્મીકિ સોસાયટીમાં ઘૂસી ગયો હતો અને બાદમાં ઓઝલ થઇ ગયો હતો તેવું જાણવા મળ્યું હતું. ચીલઝડપના આ બનાવથી એકલવાયું જીવન જીવતા વૃદ્ધા માથે આભ ફાટી પડયું હતું. વેપારીઓએ અહીં વધુ કેમેરા ગોઠવવા પોલીસમાં અગાઉ માંગ કરી હતી, પરંતુ જો આ કેમેરા ચાલુ જ ન થતા હોય તો શું કામના તેવા પ્રશ્નો બહાર આવ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer