પાણીના પ્લાસ્ટિક પાઉચ પર પ્રતિબંધ મુકાયો

નખત્રાણા, તા. 10 : જિલ્લાનો સૌથી મોટો તેમજ મિની તરણેતર સમા મોટા યક્ષનો મેળો આગામી તા. 15/9થી 18/9 દરમ્યાન યોજાશે. મેળાના આયોજનને આખરી ઓપ અપાઇ ગયો છે. સાંયરા જૂથ ગ્રામ પંચાયત તેમજ ભોવા પરિવાર દ્વારા સંચાલિત પરંપરાગત આ લોકમેળાનું ઉદ્ઘાટન તા. 15/9ના સવારે 11 કલાકે સહકાર-રમત ગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ વિનોદ ચાવડા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા (યક્ષ મંદિરના ટ્રસ્ટી), રાજકીય-સામાજિક આગેવાનો, ભોવા પરિવાર, સાંયરા ગ્રામ પંચાયત સાથે રહી ખુલ્લો મૂકશે.  ચાલુ વર્ષે મેઘરાજાની ધીંગી મહેર થતાં આ ચાર દિવસીય મેળામાં જિલ્લાભરમાંથી સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઇ વિ. સ્થળેથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઊમટશે તેવી ધારણા છે. 16 એકરમાં પથરાયેલા આ મેળામાં સાતેક જેટલી વિશાળ બજારો ઊભી કરવામાં આવી છે, જેમાં ખાણી-પીણીના સ્ટોલ્સ, વિવિધ કટલેરી, સૌંદર્ય પ્રસાધનો, રમકડાં, પગરખાંની દુકાનો સાથે ફળ-ફળાદી, ચાની હોટેલો, લોજ વિ.નો સમાવેશ થાય છે.નાનાથી મોટેરા સુધીના મનોરંજન માટે વિવિધ રાઇડ્સોનો આખો પ્લોટ અલગ છે, જેમાં વિવિધ ચગડોળ, મોતના કૂવા, ડ્રેગન ફેન, જાદુગર તેમજ અનેક આઇટમો, મનોરંજન પૂરું પાડશે. તમામ બજારમાં સંવેદનશીલ પોઇન્ટ પર સીસી ટીવી  કેમેરા દ્વારા બાજનજર પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવશે. આ મોટા યક્ષના મેળામાં પાણીના પ્લાસ્ટિકના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મેળા દરમ્યાન લોકોને પીવાનાં પાણીની મુશ્કેલી ના પડે તે માટે શુદ્ધ ક્લોરીનેશન વાળું પાણી પંચાયત દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મેળામાં પણ પાંચેક જેટલા પીવાનાં પાણીના સ્ટેન્ડો ઊભા કરાશે. તા. 15/9ના સવારે લાખાડી ડુંગર ભીખુઋષિની તળેટીમાં સાંયરી માતાજીના મંદિરે ધ્વજારોહણ સહિત ધાર્મિક કાર્યક્રમ તેમજ ત્યારબાદ 10.30 કલાકે મોટા યક્ષ દેવોના મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ ભોવા પરિવાર દ્વારા યોજાશે. ત્યારબાદ આ મેળાનો દબદબાભેર પ્રારંભ થશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer