ખૂનના પ્રયાસના કેસમાં અંજારવાસીના આગોતરા નામંજૂર : ગાંધીધામના કેસમાં પતિ-સાસરિયા નિર્દોષ

ભુજ, તા. 10 : પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના અંજાર પોલીસ મથકમાં દાખલ થયેલા હત્યાના પ્રયાસ સહિતની કલમો તળેના ગુનામાં આરોપી અંજારના શરીફશા ઇસ્માઇલશા શેખ દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીનની અરજી જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. તો ગાંધીધામ ખાતેના બી. ડિવિઝન પોલીસ મથકમાં દાખલ થયેલા હકકુબેન નામની પરિણીતાના અપમૃત્યુના કિસ્સામાં દુપ્રેરણના આરોપસરના ફોજદારી કેસમાં આરોપીઓને નિર્દોષ મુકત કરાયા હતા. અંજાર પોલીસમાં નોંધાયેલા ખૂનના પ્રયાસ સહિતની કલમોવાળા કેસમાં તપાસકર્તા ધરપકડ ન કરે તે માટે અંજારના ગંગાનાકા વિસ્તારમાં શેખટીંબા ખાતે રહેતા શરીફશા શેખે આગોતરા જામીન માગ્યા હતા. આ અંગેની સુનાવણી અંજાર સ્થિત અદાલતના સાતમા અધિક જિલ્લા ન્યાયાધીશ ડી.જે. મહેતા સમક્ષ થઇ હતી. તેમણે બન્ને પક્ષને સાંભળી જરૂરી આધાર-પુરાવા તપાસી આગોતરા માટેની માગણી નામંજૂર કરતો આદેશ કર્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી એ.પી.પી. આશિષ પંડયા હાજર રહ્યા હતા. જ્યારે ત્રાસના કારણે પરિણીતા દ્વારા આત્મહત્યા કરવાના ગાંધીધામના કિસ્સામાં મરનાર હકકુબેનના પતિ રાજેશ ખીમાભાઇ ધેડા, સાસુ હોમીબેન, જેઠ ગેલાભાઇ અને રમેશભાઇ તથા હીરાભાઇને નિર્દોષ મુકત કરાયા હતા. અધિક સેશન્સ જજ આર.જી.દેવધરા સમક્ષ આ વિશેની સુનાવણી થયા બાદ તેમણે આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી રાજકુમાર ટી. લાલચંદાણી સાથે પ્રવીણભાઇ પરમાર અને મમતા એચ.આહુજા રહ્યા હતા. - મનાઇહુકમ માટેની અપીલ રદ  : દરમ્યાન ભુજ તાલુકાના પદ્ધર ગામની સીમમાં સર્વે નંબર 612 અને 549 ખાતે આવેલી ખેતીની જમીન સંબંધી વિવાદમાં કરવામાં આવેલી મનાઇહુકમ મળવા સહિતની અપીલ જિલ્લા અદાલત દ્વારા નામંજૂર કરાઇ હતી. આ અગાઉ નીચેની કોર્ટએ આ સંબંધે આપેલા ચુકાદાને માન્ય રાખીને અધિક સેશન્સ જજ પી.એસ.ગઢવીએ આ ચુકાદો આપ્યો હતો. ગાવિંદ અરજણ ખુંગલા આહીર દ્વારા આ અપીલ કુંવરબેન સામત ખુંગલા વગેરે વિરુદ્ધ કરાઇ હતી. આ કેસમાં કંકુબેન વતી વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી જે.આર.મહેતા અને યશ જગદીશચન્દ્ર મહેતા રહ્યા હતા.  - વીમા કંપની વિરુદ્ધ ચુકાદો  : રાપર તાલુકાના ગાગોદર ગામ પાસે ચામુંડા બલ્ક કેરીયરના અરાવિંદ કુંવરજી ઠકકરના ટેન્કરને અકસ્માત નડવાના કેસમાં આ વાહનમાં ભરાયેલું હાઇસ્પીડ ડિઝલ ઢોળાઇ જવાના કિસ્સામાં નુકસાનની રકમ વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવાનો કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે હુકમ કર્યો હતો. ડિઝલ ઢોળાઇ જવા પાછળ બેદરકારી જવાબદાર હોવાનું તારણ આપીને વીમા કંપનીએ વળતર માટે ના પાડતાં આ કેસ ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. જેમાં ગ્રાહક તરફે આ ચુકાદો અપાયો હતો. આ કેસમાં ફરિયાદી વતી વકીલ તરીકે રામલાલ એમ. ઠકકર અને નિશાંત આર. ઠકકર રહ્યા હતા.  - વીમા કંપની-બેન્ક સામે ચુકાદા  : ગાંધીધામ ખાતે કાર્યરત પંજાબ નેશનલ બેન્કની શાખા તથા ઓરિએન્ટલ ઇન્સ્યુરન્સ વીમા કંપની સામે મેડિકલેઇમ પોલિસી આપ્યા બાદ વળતર ન ચૂકવવા વિશે કરાયેલા કેસમાં કચ્છ ફોરમે ગ્રાહક ગાંધીધામના ઓમપ્રકાશ બંસીધર અગ્રવાલ તરફી ચુકાદો આપ્યો હતો. ગ્રાહકને સારવાર માટે થયેલા ખર્ચની રકમ વ્યાજ અને ત્રાસના ખર્ચ સાથે ચૂકવાય તેવો આદેશ કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી એ.એન.કેલા તથા લલિત એ. કેલા અને મંજુલા કેલા હાજર રહ્યા હતા.  - ભરણપોષણની અરજી રદ  : ભુજ તાલુકાના રહેવાસી કાંતિલાલ જેરામ જોશીએ તેના પુત્ર વિશાલ સામે કરેલી ભરણપોષણ મળવા માટેની અરજી ફેમિલી કોર્ટ દ્વારા નામંજૂર કરાઇ હતી. આ કેસમાં વિશાલ જોશી તરફે વકીલ તરીકે અમીરઅલીભાઇ એચ. લોઢિયા, અન્જુમ લોઢિયા, દિનેશ ગોહિલ, જયવીરાસિંહ જાડેજા, કાસમ મંધરા અને ધનજી મેરિયા રહ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer