હરામીનાળાંમાંથી બે નાપાક બોટ ઝડપાઇ

હરામીનાળાંમાંથી બે નાપાક બોટ ઝડપાઇ
ભુજ, તા. 25 : કાશ્મીર મામલે પાકિસ્તાને ભારતની વિરુદ્ધ આક્રમક વલણ લીધું છે ત્યારે ભારતે તેના નાપાક ઇરાદાને મહાત કરવા માટે કમર કસી છે. પાકિસ્તાન સાથેની સરહદોએ એલર્ટ જાહેર કરાયાને પગલે જન્માષ્ટમીના સીમા સુરક્ષા દળે કચ્છના કુખ્યાત હરામી નાળા ક્રીક વિસ્તારમાં ઘુસેલી બે માછીમારી બોટને નધણિયાતી હાલતમાં ઝડપી લઇને આ દળ તમામ પ્રકારના સંજોગોમાં સાબદું રહેતું હોવાના દાવાને સાર્થક કર્યો છે. સત્તાવાર રીતે અપાયેલી વિગતો મુજબ ગઇકાલે સવારે સાડા છ વાગ્યાના અરસામાં સીમા દળની ટુકડી હરામીનાળા વિસ્તારમાં પેટ્રાલિંગ કરી રહી હતી તે સમયે તેને પાકિસ્તાનની આ બે બોટ મળી આવી હતી.  અટપટી ક્રીકમાં આ બન્ને બોટ અને તેમાં સવાર પાકિસ્તાની માછીમારો માછીમારી કરી રહ્યા હતા પણ દૂરથી ભારતીય ટુકડીનો પગરવ કળાતાં પાકિસ્તાનીઓ નાસી છુટયા હતા. સીમા દળે સિંગલ એન્જીન ધરાવતી આ બન્ને બોટમાંથી માછીમારીની જાળ અને આઇસબોક્સ સહિતનો સામાન કબ્જે લીધો છે. સાથોસાથ નાસી ગયેલા પાકિસ્તાની માછીમારોને શોધી કાઢવા સમગ્ર વિસ્તારમાં મોટાપાયે કોમ્બિંગની કાર્યવાહી પણ હાથ ધરી હતી.  જોકે ઘૂસણખોરો ફરી પાકિસ્તાન તરફ સરકી જવામાં સફળ રહ્યા હોવાનું જણાઇ રહ્યંy છે. આ કાર્યવાહીમાં સીમા દળના ગુપ્તચર એકમની પણ નોંધપાત્ર ભૂમિકા રહી હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું.  અહીં ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં ચોમાસાના ચાર મહિના વિરામ બાદ પહેલી સપ્ટેમ્બરથી માછીમારીની મોસમ ફરી શરૂ થઇ રહી છે.  પણ સલામતીના અસામાન્ય સંજોગોમાં સીમા દળ અને તેની ગુપ્તચર પાંખે આ વિરામના સમયમાં પણ જાપ્તો જાળવી રાખ્યો છે.  ઘૂસણખોરો આવા સમયનો ગેરલાભ ઉઠાવતા  રહેતા હોવાના અનુભવના આધારે આ વખતે ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ અને સોર્સ વાટે માહિતી મેળવવાની કાર્યવાહી સતત જાળવી રખાઇ હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું. આની સાથોસાથ રણ અને ક્રીક સરહદની સામે પાર સલામતીના સમીકરણો પર પણ સીમા દળ તેની ગુપ્તચર પાંખ વાટે બારીકાઇથી નજર રાખી રહ્યંy હોવાનું પણ આ વર્તુળોએ જણાવ્યું હતું.         

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer