માંડવીમાં 167મી રવાડી નીકળી

માંડવીમાં 167મી રવાડી નીકળી
માંડવી, તા. 25 : અહીંની પરંપરા અને અસ્મિતાને ઉજાગર કરતી લોહાણા જ્ઞાતિ આયોજિત અને નાની રવાડી તરીકે જાણીતી 167મી રથયાત્રાનું આજે સાંસદ વિનોદ ચાવડાના હાથે પ્રસ્થાન કરાવાયું હતું. ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટયોત્સવને વધાવવા આ કાંઠાળ અને એક વેળાએ જાજરમાન શહેરમાં `રવાડી'ની શોભાયાત્રાનું આગવું મહત્ત્વ અને મહાત્મ્ય હોવાથી નોમ અને દસમના બે દિવસો દરમ્યાન રવાડીને કારણે આગવું ભાવાવરણ માણવાનો મહિમા રહ્યો છે. આજે સાંજે શહેરના કે.ટી. શાહ રોડના ત્રિભેટે આવેલા `સુંદરવન' મંદિરે પારિવારિક પરંપરા બરકરાર રાખીને રોહન શૈલેશ રતિલાલ મડિયાર પરિવારે શાત્રોક્ત વિધિપૂર્વક પૂજનવિધિ  કરાવી હતી. કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવતાં ધર્મલાભ લીધો હતો. નગર સેવા સદનના પ્રમુખ મેહુલ શાહ અને ભચાઉ નગર-પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઇ ગોહિલ, જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, પૂર્વ નગરપતિ નરેન્દ્ર પીઠડિયા, રાજેશ પલણ, શાંતિલાલ ગણાત્રા, ડો. સંજય કોઠારી, વિનુભાઇ થાનકી, દીપક સોની વગેરે જોડાયા હતા. નરેશભાઇ જોશીની દોરવણી અને પુરોહિત પદે દિલીપ ઠક્કર, વિજય ઠક્કર, જયેશ ઠક્કર, ઉદયન જોશી, ઉદય ઠાકર, તરુણ  ટોપરાણી, નિહિત ભીન્ડે વગેરેએ આયોજન સંભાળ્યું હતું. શાકમાર્કેટ, સાંજીપડી, આશાપુરા મંદિર થઇને તળાવવાળા નાકા બહાર શોભાયાત્રા (રવાડી)ને વિરામ અપાયા બાદ કંસારા બજાર, સોની બજાર થઇને મંદિરે રથયાત્રા પરત ફરી હતી. માર્ગમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ધર્મલાભ લીધો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer