કચ્છભરમાં જૈનોનાં મંગલકારી પર્યુષણ પર્વનો પ્રારંભ

કચ્છભરમાં જૈનોનાં મંગલકારી પર્યુષણ પર્વનો પ્રારંભ
પ્રબોધ મુનવર દ્વારા - ભુજ, તા. 25 : જૈનોનાં મંગલકારી પર્યુષણ પર્વનો આજથી શુભ પ્રારંભ થયો. હવે વહેલી સવારથી જૈન જિનાલયોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળશે. ભક્તામરસ્તોત્ર, રત્નાકર પચ્ચીસી, જૈન સ્તવનો, પૂજા-પાઠ તથા ધાર્મિક વિધિઓ સાથે જિનાલયો, ઉપાશ્રયો `િજનશાસન દેવ કી જય'ના નાદથી ગુંજી ઊઠશે. દરરોજ સવારે વ્યાખ્યાનો યોજાયા છે. જ્યારે સાંજે પ્રતિક્રમણ તથા રાત્રે ભાવનાનું આયોજન કરવામાં આવ્યું છે.  પ્રભુજીઓની નિત નવી અંગરચના કરવામાં આવશે. ઉજવણીનો જૈન સમાજમાં અનેરો આનંદ હોવાનું ભુજ જૈન સાત સંઘ અધ્યક્ષ મુકેશભાઇ ઝવેરીએ જણાવ્યું હતું. તપગચ્છ અને ખરતરગચ્છ જૈન સંઘોમાં પર્વનો પ્રારંભ તા. 26થી જ્યારે અન્ય સંઘોમાં તા. 27થી થશે.  કચ્છમાં મુખ્ય ઉજવણી માંડવી તાલુકાના નાના રતાડિયા નગરે થશે. જ્યાં તપસ્વીરત્ન, અચલગચ્છાધિપતિ આચાર્ય ગુણોદયસાગરસૂરિશ્વરજી મ.સા. તથા  વીરભદ્રસાગરસૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા-8 બિરાજમાન છે. અબડાસા તાલુકાના નરેડી ગામે આચાર્ય કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા. આદિ ઠાણા -7ની નિશ્રામાં ઉજવણી થશે.  ભુજ  વાણિયાવાડ ડેલામાં શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક-તપગચ્છ જૈન સંઘમાં પ.પૂ. પ્રવર્તિની સા.  હેમલતાશ્રીજી મ.સા. આદિ ઠાણા-7ની  નિશ્રામાં પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવશે. પર્યુષણના આઠે દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો અહીં યોજાયા છે. `ક્ષમાની મહેફિલ' વિષય ઉપર સુ. સા.  જ્યોતિપ્રજ્ઞાશ્રીજી મ.સા. પ્રવચન ફરમાવશે. તા. 30-8ના સ્વપ્નદર્શન યોજાયાં છે. તા. 2-9ના બારસા સૂત્રનું વાંચન થશે. તા. 4-9ના ભુજ સમસ્ત જૈન સમાજ દ્વારા તપસ્વીઓનો વરઘોડો   નીકળશે, તેવું સંઘપ્રમુખ શંતિલાલભાઇ ઝવેરી તથા   મંત્રી કીર્તિભાઇ શાહે જણાવ્યું હતું. ભુજ શ્વેતામ્બર મૂર્તિપૂજક અચલગચ્છ જૈન સંઘમાં  કીર્તિલતાશ્રીજી  મ.સા. તથા સા. સૌમ્યલતાશ્રીજી મ.સા. આદિ ઠાણા-2ની નિશ્રામાં ઉમંગભેર ઊજવાશે. દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.  પ્રભુજીની નિત નવી અંગરચના કરવામાં આવશે. તા. 30-8 કલ્પસૂત્ર વાંચન, તા. 31-8ના સ્વપ્નદર્શન, તા. 3-9 સંવત્સરી  મહાપર્વ, ચૈત્યપરિપાટી, બારસાસૂત્ર વાંચન થશે. તેવું સંઘપ્રમુખ મહેન્દ્ર દામજી શાહ તથા મંત્રી ભરત બી. શાહે જણાવ્યું હતું.  શેઠ વર્ધમાન આણંદજીની પેઢી  આરાધના ભવન જૈન સંઘ દ્વારા  પન્યાસપ્રવર પરમયશવિજયજી મ.સા. આદિ  ઠાણા-4ની નિશ્રામાં પર્યુષણ પર્વ ઊજવાશે. આંયબિલ, આંગી, રાઇપ્રતિક્રમણ, સ્નાત્રપૂજા, પર્યુષણ પ્રવચનમાળા, પ્રતિક્રમણ વિ. કાર્યક્રમ યોજાશે, તેવું  સંઘપ્રમુખ કમલનયન મહેતા તથા મંત્રી ધીરજભાઇ મહેતાએ જણાવ્યું હતું.  વાગડ બે ચોવીસી સમાજ તથા વાગડ સાત ચોવીસી સમાજ અને માકપટ જૈન સમાજ દ્વારા પણ પર્યુષણમાં વિવિધ તપ આરાધનાઓ થશે. ભુજ ખરતરગચ્છ જૈન સંઘ દ્વારા જિનદ્તસૂરિશ્વરજી ગુરુમંદિર જૈન દાદાવાડીમાં પર્વની ઉજવણી  થશે. કુશલમુનિજીની આજ્ઞાનુસાર પર્વની ઉજવણી કરવામાં આવશે.  દાદાવાડીમાં જુદા-જુદા કલાકારો અને મંડળો રાત્રિ ભાવનામાં રમઝટ બોલાવશે. જિનાલયમાં રોશની સાથે પ્રભુજીની આંગીરચના થશે.  વર્ધમાનનગર દાદાવાડી તથા વાણિયાવાડ ડેલામાં આવેલા શંતિનાથ જિનાલયે પણ રોશની થશે, તેવું સંઘપ્રમુખ રજનીભાઇ પટવા તથા મંત્રી એલ.પી. શાહે જણાવ્યું હતું. આઠ કોટિ મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ઉષાબાઇ  મહાસતીજી આદિ ઠાણા-4ની નિશ્રામાં પર્વ ઊજવાશે. આઠે દિવસ ભક્તામર, પ્રાર્થના,  જુદા-જુદા વિષયો ઉપર વ્યાખ્યાન તથા ધાર્મિક સ્પર્ધાઓ, સાંજે પ્રતિક્રમણ યોજાયા છે, તેવું સંઘપ્રમુખ વિનોદભાઇ મહેતા તથા મંત્રી સતીશભાઇ ઝોટાએ જણાવ્યું હતું. છ કોટિ સ્થાનકવાસી જૈન સંઘમાં પરીજ્ઞાજીમહાસતીજી આદિ ઠાણા-4ની નિશ્રામાં પર્વની વિવિધ તપ-જપ સાથે આરાધના થશે. દરરોજ વ્યાખ્યાન, શિબિર,  જાપ, યોજાયા છે, તેવું સંઘપ્રમુખ અમરાસિંહ મહેતા તથા મંત્રી  ધીરજલાલ દોશીએ જણાવ્યું હતું.   આઠ કોટિ નાની પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા મ. દેવેન્દ્રજી સ્વામી, ભાવિકજી સ્વામીની નિશ્રામાં પર્વ ઊજવાશે. દરરોજ બે ટાઇમ પ્રવચનમાળા તથા પ્રતિક્રમણ વિગેરે યોજાયા છે,  તેવું સંઘપ્રમુખ નીતિન બાબુલાલ શાહ તથા મંત્રી મહેન્દ્રભાઇ વોરાએ જણાવ્યું હતું. જૈન શ્વે. તેરા પંથ સંઘમાં પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થશે. શ્રમણીજી કમલપ્રજ્ઞાશ્રીજી  આદિ ઠાણા-2ની નિશ્રામાં પર્વની ઉજવણી થશે.  દરરોજ વ્યાખ્યાન, તપારાધના, બાળકોના કાર્યક્રમો તથા જૈન ઇતિહાસની પરંપરા વિશે માહિતી તથા પ્રતિક્રમણ યોજાયા છે, તેવું સંઘ પ્રમુખ હસમુખ મહેતા તથા મંત્રી ઇન્દ્રજીત જૈને  જણાવ્યું હતું. શહેરના કોટ બહારના સોસાયટી વિસ્તારમાં  છ કોટિ સંઘના જૈન ભુવનમાં લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય ભાવચંદ્ર સ્વામીના આજ્ઞાનુવર્તિની મહાસતી  તેજસકુમારીજી આદિ ઠાણા-3 ની નિશ્રામાં પર્વ ઊજવાશે. ભક્તામરની પ્રાર્થના, 12 કલાકના નવકારમંત્રના જાપ, વ્યાખ્યાન, સામાયિક  સાથે પર્યુષણ ઊજવાશે, તેવું સંચાલન સમિતિના જગદીશભાઇ મહેતા, જિજ્ઞેશ શાહે જણાવ્યું હતું. ઉમેદનગર વાસુપૂજ્ય જૈન જિનાલયે પર્યુષણ મહાપર્વની ઉજવણી કરાશે તેવું આરાધના ભવન જૈન સંઘે જણાવ્યું હતું. ભુજ શહેરના સર્વમંગલ આરોગ્યધામ પાછળ આવેલી દેવ એવેન્યૂ સોસાયટીમાં સંભવનાથ જિનાલયે પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, તેવું રહેવાસીઓએ  જણાવ્યું હતું. વિજયનગર રથાકાર જિનાલય તથા નવનીતનગર-કોવઇનગરમાં સા. આનંદકિરણાશ્રીજી મ.સા.ની નિશ્રામાં પર્વ ઊજવાશે. કેસર પૂજા, આરતી, મંગલ દીવો, મહાકાળી માતાજીની આરતી, વ્યાખ્યાન, પ્રતિક્રમણ, સ્નાત્રપૂજા વિ. કાર્યક્રમો યોજાશે, તેવું ક.વી.ઓ. જૈન મહાજન અધ્યક્ષ તારાચંદભાઇ છેડા તથા મંત્રી નરેશ શાહે જણાવ્યું હતું. ભુજ નજીક જૈનોના વર્ધમાનનગર- સાઉથમાં વર્ધમાનનગર શ્વેતામ્બર જિનાલય ટ્રસ્ટ દ્વારા  કેવલ્યપ્રિયાશ્રીજી  મ.સા.  તથા જિનપ્રિયાશ્રીજી મ.સા. આદિ ઠાણા 2ની પાવન નિશ્રામાં પર્યુષણ મહાપર્વની ઉજવણી થશે. સવારે વ્યાખ્યાન, બપોરે ધાર્મિક કાર્યક્રમો તથા  રાત્રિભાવના, ધાર્મિક નાટિકાઓનું  આયોજન કરવામાં આવ્યું છે. વિમલનાથ પ્રભુજીની નિત નવી અંગરચના કરવામાં આવશે. તેવું દીપક લાલન, પ્રબોધ મુનવર તથા હીરાચંદ છેડાએ જણાવ્યું હતું. વર્ધમાનનગર નોર્થ આદિનાથ સોસાયટીમાં પર્યુષણની ઉજવણી થશે તેવું હસમુખભાઇ વોરાએ જણાવ્યું હતું. આઠ કોટિ મોટી પક્ષ જૈન સ્થાનક વર્ધમાનનગરમાં સુનીતાબાઇ મ.સ. આદિ ઠાણા-2ની પાવન નિશ્રામાં પર્વ ઊજવાશે, તેવું દિલીપભાઇ દેસાઇએ જણાવ્યું હતું. સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ દ્વારા દરરોજ ગાયોને નીરણ આપવામાં આવશે. માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા માનસિક વિકલાંગોને તથા એકલા-અટૂલા નિરાધાર વૃદ્ધોને ભોજનિયા જમાડવામાં આવશે અબડાસા મોટી પંચતીર્થીના સુથરી-કોઠારા-તેરા-જખૌ-નલિયા-સાંધાણ- સાંધવ-સાંયરા, વારાપદ્ધર, બાંડિયા, રાપર ગઢવાળી ગામોમાં પર્યુષણ પર્વ ઊજવવા અને તપારાધના કરવા ભાવિકો મુંબઇ અને દેશાવરથી માદરે વતન આવી પહોંચ્યા  છે. શિવમસ્તુ સાધના કેન્દ્ર મધ્યે પૂ. મુનિરાજ પૂર્ણભદ્રસાગરજી મ.સા. આદિ ઠાણાની નિશ્રામાં પર્વ ઊજવાશે.  સુથરી ગામે  સાધ્વી મહાયશાશ્રીજી મ.સા., કોઠારા ગામે સા.  કિરણકલાશ્રીજી મ.સા., નલિયા ગામે  સા. આગમકિરણાશ્રીજી મ.સા., તેરા ગામે સા. જયધર્માશ્રીજી મ.સા., દેવપરગઢ  ગામે  મુનિરાજ મલયસાગરજી મ.સા. આદિ ઠાણા-2ની  નિશ્રામાં પર્વ ઊજવાશે.  નાની પંચતીર્થીના મુંદરા, ભુજપુર, મોટી ખાખર, નાની ખાખર, બિદડા તથા નૂતન પંચતીર્થીના વાંકુ-વારાપદ્ધર-લાલા-પરજાઉ-રાપર ગઢવાળીમાં પણ પર્યુષણ પર્વની ઉજવણી આરંભાશે. ભુજ, માંડવી, ગાંધીધામ, અંજાર, ભચાઉ, રાપર, નખત્રાણા, અબડાસા, મુંદરા તથા જૈન વસ્તીવાળા ગામોમાં પર્યુષણ પર્વની તપારાધનાઓ સાથે ઉજવણી થશે.વસહી જૈન તીર્થ ભદ્રેશ્વર, બૌંતેર જિનાલય, ગુણપાર્શ્વતીર્થ દેઢિયા, કટારિયા તીર્થ, વાંકી તીર્થ, પાર્શ્વવલ્લભ ઇન્દ્રધામ, શિવપારસ, જૈન આશ્રમ માંડવી, શિવમસ્તુ સાધના કેન્દ્ર, માનવમંદિર, શંખેશ્વર મહુડીધામ, સિટી સ્કવેરનાં જિનાલયોમાં પ્રભુજીની નિત નવી આંગીરચના થશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer