કૃષિ અને બાગાયત સમૃદ્ધ કરવાનો આધાર પાણી

કૃષિ અને બાગાયત સમૃદ્ધ કરવાનો આધાર પાણી
ભુજ, તા. 25 : રાજ્યના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે માંડવી તાલુકાના બિદડ ગામે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ હેઠળ કૃષિમેળો-વ-પાક પરિસંવાદ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો.    કડવા પાટીદાર સમાજવાડીમાં ખેડૂત તાલીમ કેન્દ્ર, ભુજ દ્વારા કચ્છના ખેડૂત ભાઇ-બહેનોને કૃષિલક્ષી આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન પૂરું પાડવા સાથે વિવિધ સ્ટોલ દ્વારા ખેત ઇનપુટ્સ અને ખેતસામગ્રીનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.  કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં રાજ્યમંત્રી શ્રી આહીરે જણાવ્યું હતું કે, કચ્છના કૃષિ અને બાગાયતને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવાનો મુખ્ય આધાર પાણી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર કિસાનહિતને વરેલી છે. મોડકુબા સુધી નર્મદાનાં નીર પહોંચાડવા બજેટમાં 900 કરોડની જોગવાઇ કરીને કચ્છમાં નર્મદા કેનાલના કામો પૂર્ણ કરવા આદેશો કર્યાં છે. આ તકે રાજ્યમંત્રીએ મોડકુબા કેનાલનાં કામો ઝડપથી પૂર્ણ કરવા ખેડૂતો જમીન સંપાદન કામગીરીમાં સહયોગ આપે તેવી અપીલ પણ કરી હતી.  માંડવી તાલુકા ભાજપ મહામંત્રી રાજેન્દ્રાસિંહ જાડેજાએ રાજ્ય સરકારના પ્રયત્નોથી ડાર્કઝોનમાંથી માંડવી બહાર નીકળીને હવે ડ્રીપ ઇરિગેશન અપનાવી ખેડૂતો સમૃદ્ધ બન્યા હોવાનું કહ્યું હતું.  કડવા પાટીદાર સમાજના પ્રમુખ મણિલાલ ભગતે ખેડૂતો અને ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થાઓના વિચારોની આપ-લે થવાથી કૃષિકારોને મળતા ફાયદાની વાત કરી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઈના હસ્તે પ્રગતિશીલ ખેડૂતો મણિલાલ હીરજી ભગત, પટેલ મણિલાલ કેસરા, સેંઘાણી દેવશી રતનશી, રામાણી ભવાનજી ભાણજી અને અવનિબેન ભગતને સન્માનપત્ર અર્પણ કરાયાં હતાં. પાક પરિસંવાદ દરમિયાન તજજ્ઞો અને વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન અપાયું હતું જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુંદરાના દિનેશભાઈ પટેલે પાક સંરક્ષણ, સરહદ ડેરીના ડો. લાલાણી દ્વરા પશુપાલન, ડો. ટાંક દ્વારા જળશક્તિ અભિયાન સહિતના વિષયો આવરી લેવાયા હતા. માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, એપીએમસીના ચેરમેન પ્રવીણભાઈ વેલાણી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, માંડવી-મુંદરા પ્રાંત ડો.વી.કે.જોષી,  બિદડાના સરપંચ સુરેશભાઈ સંઘાર, તા.પં. સદસ્ય અવનિબેન, કનુભા જાડેજા, ડો. સુવર્ણકાર, આત્મા પ્રોજેકટના કલ્પેશ મહેશ્વરી, ડો. કપીલભાઈ, ડો. બી.આર.નાકરાણી તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે નાયબ ખેતી નિયામક ડો. કે.ઓ.વાઘેલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલાએ જ્યારે આભારદર્શન મદદનીશ ખેતી નિયામક એમ.એ.ચૌધરીએ કર્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer