ગાંધીધામમાં જન્માષ્ટમી ઉમંગભેર ઉજવાઈ

ગાંધીધામમાં જન્માષ્ટમી ઉમંગભેર ઉજવાઈ
ગાંધીધામ,તા.25: જશોદાના જાયા ભગવાન શ્રી કૃષણના જન્મોત્સવ જન્માષ્ટમીની ગાંધીધામ આદિપુરમાં  ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઠેર ઠેર મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ સંકુલના વિવિધ મંદિરોમાં કૃષ્ણજન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આદિપુરમાં આહીર સમાજ દ્વારા સતત ચોથા વર્ષે પણ જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ગાંધીધામમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા ખોડિયાર મંદિરથી શોભાયાત્રા યોજવામાં આવી હતી. સુંદરપુરીથી શોભાયાત્રા લીલાશાહ નગર શિવમંદિર, ગાંધી માર્કેટ, ભાઈ પ્રતાપ ચોક, ઝંડા ચોક, ચાવલા ચોક સરદાર વલ્લભાઈની પ્રતિમા સહિતના વિસ્તારમાં ફરી સત્યનારાયણ મંદિર ખાતે પૂરી થઈ હતી. આ વેળાએ ગાંધીધામના માર્ગો `ગોવિંદા આલા રે', `નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી'ના ગગન ભેદી નારાથી ગુંજી ઊઠયો હતો. આ દરમ્યાન ગાંધીધામમાં 28 જેટલી મટકીઓ ગોવિંદાઓએ ફોડી હતી. દર વર્ષની પરંપરા મુજબ શહેરના પ્રવેશદ્વાર ચાવલાચોક ખાતે પોલીસ કર્મચારીઓ દ્વારા મટકી ફોડવામાં આવી હતી. આ વેળાએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ કાનજી ભર્યા, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, મોહન ધારશી ઠક્કર તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા. શોભાયાત્રા દરમ્યાન વિવિધ ફલોટસ  શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બાળકો વિવિધ વેશભૂષામાં સજ્જ  થયા હતા.આદિપુરમાં આહીર ક્રિષ્ના કલબ દ્વારા આદિપુરમાં વંદના ગરબી ચોક ખાતે જન્માષ્ટમીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના આરંભે આદિપુરથી શોભાયત્રા નીકળી હતી. જે આદિપુર અને ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ વેળાએ ભગવાન શ્રીકૃષ્ણની વિવિધ મૂર્તિઓ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.  શોભાયાત્રામાં બાઈક સવારો ભગવા ધ્વજ સાથે જોડાયા હતાં ડી.જે.ના તાલે લોકો ઝૂમી ઊઠયા હતા. બાદમાં વંદના ગરબી ચોક ખાતે રાસોત્સવ યોજાયો હતો. અને બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોની દાદ મેળવી હતી. બાદમાં મટકી ફોડવામાં આવી ત્યારે વાતાવરણ નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગુંજી ઊઠયું હતું. રાત્રિના 12 વાગ્યાના ટકોરે જશોદાના જાયાના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. આ વેળાએ ગાંધીધામ, આદિપુર અને આસપાસના ગામના આહીર સમાજના લોકો બહોળી સંખ્યામાં ઊમટી પડયા હતા. આ વેળાએ બાબુભાઈ ભીમા હુંબલ,  ભાવેશ ચાવડા, રમેશ મ્યાત્રા, શંભુભાઈ હુંબલ, રમેશ હુંબલ, શંભુભાઈ મ્યાત્રા, વી.કે.હુંબલ, બાબુભાઈ ધમા ડાંગર વગેરે હાજર રહ્યા હતા. શહેરના  ભારતનગરમાં વિવિધ વિસ્તારોમાં 45 જેટલા સ્થળોએ તો આદિપુરમાં વોર્ડ 2.બી, 4.એના વિસ્તારોમાં 35 જેટલી મટકીઓ ફોડવામાં આવી હતી. ગાંધીધામ આદિપુરના વિવિધ મંદિરોમાં રાત્રિના 12 વાગ્યાના ટકોરે  જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરોમાં લોકો બહોળી સંખ્યામાં ઊમટી પડયા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer