વરસાણા-અંજાર રાષ્ટ્રીય માર્ગનું કામ છોડી એજન્સીએ 200 કરોડનો દાવો કર્યો

વરસાણા-અંજાર રાષ્ટ્રીય માર્ગનું કામ છોડી એજન્સીએ 200 કરોડનો દાવો કર્યો
અંજાર, તા. 25 : તાલુકાના વરસાણા-અંજાર નેશનલ હાઇવેનું કામ અધિકારીઓની બેદરકારીના કારણે એજન્સીએ કામ છોડીને સરકાર ઉપર 200 કરોડ રૂપિયાનો દાવો કર્યો હોવાનું જિ.પં.ના વિપક્ષી નેતા વી.કે. હુંબલે જણાવી ઉમેર્યું હતું કે વરસાદના કારણે જર્જરિત બનેલા માર્ગનું મરંમત કામ કરાવવાની જવાબદારી અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટી એકબીજા પર ઢોળી રહ્યા છે. આદિપુર સ્થિત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેકટ ડાયરેકટરને શ્રી હુંબલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, વરસાણા, ભીમાસર, અંજાર નેશનલ હાઇવે નં. 341 રોડ ફોરલેન તો ન બન્યો, પરંતુ અત્યારે આ રસ્તા ઉપર ભયંકર ખાડા પડયા છે જે ગમે ત્યારે અકસ્માત સર્જે તેમ હોવાથી તાત્કાલિક મરંમત કરવામાં આવે તેમજ આ માર્ગને વહેલી તકે રિસર્ફેસ કરવામાં આવે. વરસાણા, ભીમાસર, અંજાર નેશનલ હાઇવે નં. 341 રોડને ફોરલેન બનાવવા છેલ્લા 5 વર્ષથી મંજૂરી મળી છે. અત્યાર સુધી માત્ર ને માત્ર સર્વેનું જ કામ ચાલી રહ્યું છે. 22 કિ.મી. સુધી હાલત એટલી હદે ખરાબ છે કે જેના ઉપર વાહનો પણ ચાલી શકે તેમ નથી. આ રસ્તા ઉપર અત્યાર સુધી કોઇ અધિકારીઓ દ્વારા રસ્તાનું નિરીક્ષણ પણ કરાયું નથી અને રસ્તો રિપેર કરવા માટેના કોઇ પ્રયાસો પણ કરવામાં આવ્યા નથી. નિયમ મુજબ નેશનલ હાઇવે રોડનું રિસર્ફેસિંગ દર ત્રણ વર્ષે કરવાનું હોય છે, પરંતુ તેથી  વધારે સમય પહેલાં ચીલાચાલુ બનાવ્યો હતો ત્યારબાદ આ રસ્તાને નથી રિસર્ફેસિંગ કરવામાં આવ્યું કે નથી રિપેરિંગ કરવામાં આવતો. ખાસ વિગત તરીકે ટાકતાં જિલ્લા પંચાયતના વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, નેશનલ ઓથોરિટીના અધિકારીઓને રૂબરૂ રજૂઆત કરતાં તેમણે જણાવ્યું કે, આ રોડ નેશનલ હાઇવે ફોરલેન બનાવવા માટે સદ્ભાવના એજન્સી નક્કી કરવામાં આવી હતી. રિસર્ફેસિંગ તેમજ અન્ય રિપેરિંગ કામ એમની કરવાની જવાબદારી હતી. અમારી પાસે આ રોડ રિપેર કરવાના પણ કોઇ અધિકારો જ નથી. છેલ્લા 5 વર્ષથી રોડ મંજૂર થયો હોવા છતાં અધિકારીઓ દ્વારા જમીનનો કબ્જો 80 ટકા જેટલો નહીં સોપાતાં એજન્સી કામ છોડી અને સરકાર ઉપર 200 કરોડ રૂપિયા જેટલી પેનલ્ટીનો દાવો કર્યો હોય તેવું જાણવા મળ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer