જંગી સરસાઇ સાથે વિરાટસેના જીત ભણી

એન્ટિગ્વા, તા. 25 : બીજા દાવમાં પણ ઝળકેલા અજિંક્ય રહાણેએ જવાબદારીપૂર્વક રમતાં ફટકારેલી શાનદાર 210મી ટેસ્ટ સદીના બળે ટીમ ઇન્ડિયાએ બીજા દાવમાં સાત વિકેટે 343 રન ખડકીને દાવ ડિકલેર કર્યો હતો અને 400થી વધુ રનની જંગી સરસાઇ સાથે વિજય તરફ ગતિ કરી હતી. ત્યારબાદ બીજો દાવ રમવા ઊતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમે માત્ર 15 રનમાં પાંચ વિકેટ ખોઇ દેતાં ભારે નબળી શરૂઆત કરી હતી. અંતિમ અહેવાલ અનુસાર ચેસ 6 રને ક્રીઝ પર હતો અને સ્કોર 25 રને પહોંચ્યો હતો. કેરેબિયન ટીમ 393 રનની જંગી સરસાઇનો ભાર પોતાના પર લઇને દબાણ તળે રમી  રહી હતી. ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે ત્રણ વિકેટે 185 રન કર્યા હતા. સુકાની વિરાટ કોહલી 51 અને રહાણે 53 રન સાથે દાવમાં હતા. આજે ચોથા દિવસના પ્રારંભે ટીમ ઇન્ડિયાએ કોહલીના રૂપમાં ચોથી વિકેટ ખોઇ દીધા બાદ ક્રીઝ પર જામી ગયેલા રહાણેએ રંગ રાખતાં પાંચ ચોગ્ગા સાથે 102 રન કરીને તેની કારકિર્દીની 10મી ટેસ્ટ સદી ફટકારી હતી. હનુમા વિહારીએ પણ સામો છેડો સાચવીને સમજપૂર્વક રમતાં 93 રન ફટકાર્યા હતા. હોલ્ડરનો દડો રમવામાં થાપ ખાઇ જતાં હોપને કેચ આપી બેઠેલો વિહારી માત્ર સાત રન માટે સદી ચૂકી ગયો હતો. રિષભ પંતે માત્ર 7 રન કરીને પેવેલિયનની વાટ પકડી હતી. વેસ્ટ ઇન્ડિઝ વતી રોસ્ટન ચેસે 4 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝના બેટધરો બીજા દાવમાં ભારતીય બોલિંગ આક્રમણ સામે સાવેય ઘૂંટણિયે પડી જતાં માત્ર 26 રનમાં 5 વિકેટ ખોઇ દેનાર કેરેબિયન ટીમનો જબરો ધબડકો થયો હતો. બ્રેથવેઇટ, કેમ્પબેલ, બ્રુક્સ, બ્રાવો, હેટમાયર, ચેસ એમ છ બેટધરો 10 રન સુધી પણ પહોંચી શક્યા નહોતા. બુમરાહે બળૂકી બોલિંગ કરતાં 4 વિકેટ ખેરવીને વિન્ડિઝની છાવણીમાં સોપો પાડી દીધો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer